ડભોઇ તાલુકાને ડાંગરનું કોઠાર બનાવતું વઢવાણા તળાવ છલોછલ ભરાયું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/09/vadhvana-lake.jpg)
વડોદરા, વડોદરાથી અંદાજે ૪૦ કિમીના અંતરે ડભોઇ તાલુકામાં આવેલું વઢવાણા તળાવ એક શતાયુ સરોવર છે અને વ્હાલી રૈયતને સયાજીરાવ મહારાજની ભેટ છે.આજે વઢવાણા તળાવ સારા વરસાદને પગલે છલોછલ છલકાયું છે.આજે સવારે આ સરોવરની સપાટી વધીને ૫૪.૮૩ મીટર થઈ છે.
ડભોઇ અને સંખેડા તાલુકામાં વિસ્તરેલું આ તળાવ ખેતી માટે સિંચાઇનો સ્રોત છે અને તેના લીધે ડભોઇ તાલુકો ડાંગર ધાન્યનો ભંડાર બન્યો છે. આ જગ્યા નળ સરોવરના નાના ભાઈ જેવું અને ખ્યાતનામ પક્ષી તીર્થ છે.
દૂર દેશાવરથી હજારોની સંખ્યામાં યાયાવર પક્ષીઓ આ તળાવને શિયાળામાં પોતાનું બીજું ઘર બનાવે છે. તાજેતરમાં આ તળાવને ઉમદા વેટલેન્ડ – પક્ષીઓને પ્રજનન અને બાળ ઉછેર ની સુવિધા આપતી કાદવિયા જમીનને અનુલક્ષીને રામસર સાઈટ તરીકે માન્યતા આપવામાં આવી છે.
મૂળ આ તળાવ સિંચાઇની સુવિધા માટેનું છે અને જળ સ્તર ઘટતા જે દલદલી જમીન સર્જાય છે એ યાયાવર પક્ષીઓ માટે તેમના હિમ પ્રદેશની ભારે ટાઢથી બચવા માટેનો હૂંફાળો વિસામો બની રહે છે. આ તળાવમાં મુખ્યત્વે ઓરસંગ નદીનું વરસાદી પાણી વાળવામાં આવ્યું છે.