12થી 18 વર્ષનાં બાળકોને આવતા મહિનાથી કોરોના વેક્સિન અપાશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/09/Vaccin-1024x640.jpg)
નવી દિલ્હી, કોરોનાની ત્રીજી લહેરના દાવા વચ્ચે આવતા મહિને દેશમાં 12-18 વર્ષનાં બાળકોનું વેક્સિનેશન શરૂ થશે. સમાચાર એજન્સી રોઇટર્સે જણાવ્યું હતું કે કેડિલા હેલ્થકેર આવતા મહિને બાળકોની વેક્સિન ઝાયકોવ-ડી લોન્ચ કરશે. ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DGCI)એ ગયા મહિને એના ઈમર્જન્સી ઉપયોગને મંજૂરી આપી હતી. રોઇટર્સના અહેવાલ મુજબ ઝાયડસ કેડિલા ઓક્ટોબરથી દર મહિને 10 મિલિયન ડોઝ બનાવવાનું શરૂ કરશે.
બીજી તરફ, ભારત બાયોટેક પણ બાળકો પર કોવેક્સિન ટ્રાયલનો ત્રીજો તબક્કો પૂર્ણ કરી ચૂક્યું છે. કંપનીએ કહ્યું હતું કે તે આવતા અઠવાડિયે ડીજીસીઆઈને ત્રીજા તબક્કાનો ડેટા સોંપશે. ડેટાના ત્રીજા તબક્કાનું હાલમાં વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા 2થી 12 વર્ષની વયનાં બાળકો પર કોવાવેક્સના બીજા-ત્રીજા ફેઝની ટ્રાયલ કરી રહી છે.
કોવિડ-19 વેક્સિનેશન અંગે સરકારને સલાહ આપનારી સમિતિએ ગયા મહિને અભિપ્રાય આપ્યો હતો કે શરૂઆતમાં 12 વર્ષથી વધુ વયનાં બાળકોને ગંભીર રોગો હોય તેમને વેક્સિન આપવી જોઈએ. સમિતિએ જણાવ્યું હતું કે દેશમાં 400 મિલિયન બાળકો છે અને જો વેક્સિનેશન શરૂ કરવામાં આવશે તો પહેલેથી જ ચાલી રહેલા 18+ વેક્સિનેશનને અસર થશે.
સમિતિના અધ્યક્ષ એનકે અરોરાએ કહ્યું હતું કે સંપૂર્ણ તંદુરસ્ત બાળકોને વેક્સિનેશનની રાહ જોવી પડશે. સમિતિની સલાહ મુજબ કિડની ટ્રાન્સપ્લાન્ટ, જન્મ કેન્સર અથવા હૃદયરોગથી પીડાતાં બાળકો માટે સૌપ્રથમ વેક્સિનેશન કરવામાં આવશે.