Western Times News

Gujarati News

હવે ઘેરબેઠાં મોબાઈલ સિમકાર્ડ મેળવો: કોઈ દસ્તાવેજ આપવા નહીં પડે

નવી દિલ્હી, ટેલિકોમ ક્ષેત્રમાં મોબાઈલ કંપનીઓને રાહત આપવાની જાહેરાત બાદ હવે મોદી સરકારે ગ્રાહકો માટે ઘણી સુવિધાઓની જાહેરાત કરી છે. સંચાર મંત્રાલયે જાહેર કરેલા એક આદેશમાં નવાં મોબાઈલ સિમકાર્ડ લેવા અને પ્રી-પેઈડથી પોસ્ટ પેઈડ તેમજ પોસ્ટપેડથી પ્રી-પેઈડમાં ફેરફારના નિયમોને ખૂબ જ સરળ બનાવવાનું નકકી કર્યુ છે.

સંચાર મંત્રાલય દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ જાે તમે ઘેરબેઠાં નવું મોબાઈલ સિમકાર્ડ લેવા ઈચ્છતા હો તો હવે એ શક્ય થઈ શકશે. આ માટે તમારે ફક્ત તે કંપનીની એપ કે વેબસાઈટ પર અરજીફોર્મ ભરવાનું રહેશે. ફોર્મ ભરતી વખતે ગ્રાહકે એક વૈકલ્પિક નંબર આપવો પડશે, જેના પર ઓટીપી મોકલીને ગ્રાહકની સત્યતાની તપાસ કરી શકાશે.

અરજદારે તેના ફોર્મ પર તેનો ફોટોગ્રાફ અને એક વીડિયો પણ અપલોડ કરવો પડશે. ગ્રાહકે આપેલા સરનામા પર એક નિષ્ક્રીય સિમકાર્ડ આપવામાં આવશે અને અમુક પ્રક્રિયા અને ચકાસણીઓ પૂર્ણ કરીને સિમકાર્ડ સક્રિય કરી શકાશે.

જેે ગ્રાહકો બજારમાં જઈને કોઈ દુકાન કે મોબાઈલ સર્વિસ કંપનીના શો-રૂમથી નવું મોબાઈલ સિમકાર્ડ લે છે તે ગ્રાહકોને પણ એક મોટી સગવડ આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. હવે આ માટે કોઈ પણ દસ્તાવેજની જરૂર રહેશે નહીં. હાલમાં સિમકાર્ડ મેળવવા આધાર કે અન્ય કોઈ દસ્તાવેજ જમા કરાવવાના હોય છે.

હવે નવા મોબાઈલ કનેક્શન માટે આધારમાંથી પ્રાપ્ત માહિતી દ્વારા જ ગ્રાહકોને નવું સિમકાર્ડ આપી શકાય છે. મોબાઈલ કંપનીઓએ આધારમાંથી માહિતી મેળવવા માટે પ્રતિ ટ્રાન્ઝેક્શન એક રૂપિયાનો ખર્ચ કરવો પડશે. આ કિસ્સામાં પણ આધારનો ઉપયોગ કરવા માટે ગ્રાહકોની સંમતિ મેળવવી ફરજિયાત બનાવવામાં આવી છે.

એ જ રીતે મોબાઈલ પ્રી-પેઈડ કનેક્શનને પોસ્ટપેડ અથવા પોસ્ટપેડ કનેકંશનને પ્રી-પેઈડ માં રૂપાંતરિત કરવું સરળ બનાવવામાં આવ્યું છે. આ માટે ઓટીપી દ્વારા જ વેરિફિકેશન કરવું પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.