ફિટનેસ ટેસ્ટમાં બે વાર ફેઈલ થનારું વાહન ભંગારવાડે જશે

નવી દિલ્હી, જાે તમારી પાસે વર્ષો જૂની કાર છે તો સમાચાર તમારા માટે કામના છે. જાે તમારું વાહન ફિટનેસ ટેસ્ટમાં બે વાર ફેલ થશે તો તે સીધું સ્ક્રેપિંગ માટે સ્ક્રેપયાર્ડ એટલે કે ભંગારવાડે જશે. તમારી કાર એકવાર ફિટનેસ ટેસ્ટમાં નિષ્ફળ જશે તો, તમે જરૂરી ફી ભરીને તેની ફિટનેસ ટેસ્ટ ફરીથી કરાવી શકો છો, પરંતુ જાે તે બીજીવાર આ ટેસ્ટમાં નિષ્ફળ જાય તો તેને સીધી સ્ક્રેપ યાર્ડમાં લઈ જવી પડશે.
સરકારે શનિવારે ઓટોમેટેડ સ્ક્રેપેજ પોલિસીના નિયમોને અધિસૂચિત કરી દીધા છે. આ નિમયો મુજબ, જાે તમે ફિટનેસ ટેસ્ટના પરિણામોથી સંતુષ્ટ નથી તો તમે જરૂરી ફી ભરીને ફરીવાર ફિટનેસ ટેસ્ટ માટે અપીલ કરી શકો છો. અપીલ ફાઇલ કર્યાના ૧૫ દિવસની અંદર અપીલ ઓથોરિટી વાહનનું આંશિક અથવા સંપૂર્ણ નિરીક્ષણ કરવાનો આદેશ આપી શકે છે.
જાે આ ફિટનેસ ટેસ્ટમાં વાહન ફિટ હોવાનું જણાય તો અપીલ ઓથોરિટી આવા વાહનો માટે ફિટનેસ સર્ટિફિકેટ આપી શકે છે. અપીલ અધિકારીનો ર્નિણય અંતિમ અને બંધનકર્તા રહેશે. રુલ્સ ફોર રેકોજિનેશન, રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ ઓફ ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન્સ અનુસાર જૂના વાહનોના ફિટનેસ ટેસ્ટિંગ માટે ઓટોમેટેડ ટેસ્ટિંગ સેન્ટર સ્થાપવામાં આવશે. જેમાં વાહનોની ફિટનેસ ટેસ્ટ યાંત્રિક સાધનો દ્વારા કરવામાં આવશે.
કોમર્શિયલ વાહનોએ ૮ વર્ષ સુધી દર ૨ વર્ષે ફિટનેસ ટેસ્ટ કરાવવો પડે છે. ૮ વર્ષથી જૂનાં કોમર્શિયલ વાહનોનો દર વર્ષે ફિટનેસ ટેસ્ટ કરવામાં આવે છે. જ્યારે પર્સનલ વાહનોનો ૧૫ વર્ષ પછી રજિસ્ટ્રેશન રિન્યુઅલ સમયે ફિટનેસ ટેસ્ટ કરવામાં આવે છે. જે બાદ દર પાંચ વર્ષે આ કારને ફિટનેસ ટેસ્ટમાંથી પસાર થવું પડે છે.SSS