Western Times News

Gujarati News

જામનગર-પોરબંદરના બંદરો પર ૩ નંબરનું સિગ્નલ લગાવાયું

અમદાવાદ, ગુલાબ વાવાઝોડાની અસરને પગલે હાલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં હજુ ભારે વરસાદની આગાહીને પગલે જામનગર અને પોરબંદરના બંદરોના કાંઠે ત્રણ નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ ઉપરાંત માછીમારોની બોટોને પરત બોલાવી લેવામાં આવી છે.

લોકોને દરિયાકાંઠે ન જવાની સૂચના આપી દેવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના અનેક ડેમો ઓવરફ્લો થયા છે. જેમાં સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા ડેમ ભાદર-૧ના તમામ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે ભાદર-૧ ડેમના તમામ ૨૯ દરવાજા ૬ ફૂટ ખોલવામાં આવ્યા છે. હાલ ડેમમાં ૬૩,૭૦૦ ક્યુસેક પાણીની આવક સામે ૬૩,૭૦૦ ક્યુસેક જાવક થઈ રહી છે. આ ડેમમાંથી ૨૬,૦૦૦ હજાર હેક્ટરમાં ખેડૂતોને સિંચાઈનો લાભ મળે છે.

આ ડેમમાંથી ખેડૂતોને રવિ અને ખરીફ પાક માટે પીયત મળી રહેશે. ભાદર-૧ ડેમ રાજકોટ, જેતપુર, વીરપુર સહિતના અંદાજીત ૨૨ લાખ લોકોને પાણી પૂરું પાડતો ડેમ છે. ડેમના તમામ દરવાજા ખોલી નાખતા ડેમ નીચે આવતા આવતા ૨૨ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

ગોંડલ, જેતપુર, ધોરાજી, જામકંડોરણા, સહિત તાલુકાના ગામોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે. માળીયા હાટીનામાં આવેલો વ્રજમી ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં વધુ વરસાદ પડતાં ડેમમાં નવા નીર આવ્યા છે.

જેના પગલે ૫૨ ગામના સિંચાઈના પાણીનો પ્રશ્ન હલ થશે. રાજુલા પંથકમાં ધોધમાર વરસાદ પડતા ધાતરવડી ડેમ-૨ના એક સાથે ૧૨ દરવાજા ખુલ્યા છે. વરસાદ સાથે પાણીની ભરપૂર આવક થઈ છે. જેના પગલે તંત્ર દ્વારા નીચાણવાળા ૧૦ ગામડાઓને એલર્ટ કર્યાં છે. ખાખબાઈ, હિંડોરણા, રામપરા, લોઠપુર, વડ ગામોને એલર્ટ કરી દેવાયા છે.

ગોંડલ પાટિયાળી પાસે આવેલા મોતીસર ડેમના ૧૪ દરવાજા ખોલાયા છે. મોતીસર ડેમના ૧૪ દરવાજા હાલ ૧૦ ડીગ્રી ખોલવામાં આવ્યા છે. મોતીસર ડેમમાં ૩,૨૭૬ ક્યુસેક પાણીની આવક સામે એટલી જ જાવક છે.

જેના પગલે મોતીસર નીચે આવેલા પાટિયાળી, હડમતાળા, અને કોલીથડ ગામને એલર્ટ કરાયા છે. ભારે વરસાદ વચ્ચે નવાબંદર ખાતે ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું છે. આ ઉપરાંત દરિયાઇ વિસ્તારમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવાયો છે. સમુદ્રમાં ઉદ્ભવેલા વેલ માર્ક લૉ પ્રેશરને લઇને જામનગર જિલ્લામાં હાલ વરસાદ પડી રહ્યો છે.

જામનગરના રોઝી અને બેડી બંદરે માછીમારો અને બોટોને કિનારે બોલાવી લેવાઈ છે. અંદાજે ૩૦૦ જેટલી બોટ જામનગરના બંદરે ચાલી રહી છે. ઓખા બંદર પર ૩ નંબરનું સિગ્નલ લગાવાયું છે. ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ઓખા, સલાયા અને વાડીનાર બંદર પર સિગ્નલ લગાવવાની સાથે સાથે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. અરબી સમુદ્રમાં સંભવિત વાવાઝોડાને પગલે વેરાવળ બંદર પર ભયસૂચક ૩ નંબરનું સિગ્નલ લાગવાયું છે.

આ ઉપરાંત માછીમારોને દરીયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીના પગલે સાવચેતીના ભાગરૂપિ દરિયા કિનારે ત્રણ નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવાયું છે. આ ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવા તેમજ સલામત સ્થળે ખસી જવા માટે સૂચના આપવામાં આવી છે. પોરબંદરના જીવાદોરી સમાન ફોદાળા ડેમ ઓવરફ્લો થયો છે.

પોરબંદરને દોઢ વર્ષ સુધી ચાલે તેટલા પાણીનો સંગ્રહ થયો છે. બરડા ડુંગરમાં સારા વરસાદને કારણે ડેમમાં પાણીની આવક થઈ છે. તો કુતિયાણાના ઇશ્વરીયા ગામ નજીક આવેલ કાલિન્દ્રી ડેમ ૮૦% ભરાયો છે. જેના પગલે નીચાણવાળા અને નદી કાંઠાના વિસ્તારમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે.

ઇશ્વરિયા, બાવળાવદર, ચોલિયાણા, માલ અને કોટડા ગામને એલર્ટ કરાયા છે. મોરબી જિલ્લાનો મહત્ત્વનો મચ્છુ-૧ ડેમ ૯૦% ભરાયો છે. ઉપરવાસમાં સારા વરસાદને પગલે ડેમમાં પાણીની આવક વધી છે. મચ્છુ-૧ ડેમ ભરાતા નીનેના ૨૪ ગામોને એલર્ટ કરાયા છે. જેમાં વાંકાનેર તાલુકાના હોલમઢ, જાલસીકા, વાંકાનેર, મહિકા, કોઠી, ગારીયા, જાેધપર, પાજ, રસિકગઢ, લુણસરિયા, કેરાળા, હસનપર, પંચાસર, વઘાસીયા, રાતીદેવળી, વાકિયા, રાણેકપર, પંચાસીયા, ઢુવા અને ધમલપરનો સમાવેશ થાય છે. મોરબી તાલુકાના અદેપર, મકનસર, લખધીરનગર અને લીલાપર ગામને એલર્ટ કરવામાં આવ્યા છે.

કરજણ ડેમ ઓવરફલો થતા કરજણ નદી બે કાંઠે વહી રહી છે. નદી ગાંડીતુર બનતા રાજપીપલા કરજણ નદી પાસે આવેલું તલકેશ્વર મહાદેવ મંદિર ધોવાયું છે. મંદિરની દીવાલો પડતા લાઈવ વીડિઓ કેમેરામાં કેદ થયો છે. મંદિરના પૂજારી સહિત કુટુંબના ચાર સભ્યને બહાર કાઢવામાં આવ્યા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.