આર. કે દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન વાપી દ્વારા પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/09/Ashok-1-Copy-1024x734.jpg)
(પ્રતિનિધિ) વલસાડ, આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન, વાપી દ્વારા બી.એડ ના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ તાલીમાર્થીઓ નું સ્વાગત કરવા પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં શિક્ષણ વ્યવસાય માં પોતાના આગવા પગરણ માંડી રહેલા કે જેવો ભવિષ્યના શિક્ષક બનવા જઈ રહ્યા છે
તે માટે શ્રીફળ વધેરી અને કંકુ તિલક કરી શ્રી ગણેશ કરી તાલીમાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં તાલીમાર્થીઓ દ્વારા બુલેટિન બોર્ડ,રંગોળી તેમજ હોલને સુંદર રીતે શણગારવામાં આવ્યો હતો.જેમાં તાલીમાર્થીઓએ પોતાના પ્રથમ દિવસના અનુભવો બુલેટીન બોર્ડ પર સજાવ્યા હતા.
ત્યારબાદ સંસ્થાના પ્રાધ્યાપક ડૉ. જ્યંતિલાલ બારિસ સાહેબ દ્વારા સરસ્વતી દેવીની વંદના કરવામાં આવી હતી. ડૉ.ગુંજન વશી દ્વારા સર્વ પ્રાધ્યાપકોનો પરિચય રજૂ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ સર્વ અધ્યાપકો દ્વારા પ્રથમ દિવસના આશીર્વચન આપ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. સારિકા પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું
અને અંતમાં કોલેજનો પરિચય કરાવતો વીડિયો રજૂ કરવામાં આવ્યો હતો અને તેની સાથે જ તાલીમાર્થીઓનો પરિચય પણ રજૂ કર્યો હતો. જેના દ્વારા કોલેજ પરિવારની સુંદર અનુભૂતિ તાલીમાર્થીઓ નિહાળી શક્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમ બદલ સંસ્થાના ચેરમેન શ્રી મિલન ભાઈ દેસાઈ સાહેબ, સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર ડૉ.આર. સી.ગાંધી સાહેબ તેમજ કોલેજના આચાર્યશ્રી ડો.પ્રીતિ ચૌહાણે શુભેચ્છાઓ પાઠવી હતી.