Western Times News

Gujarati News

સુભાષસિંગ ઠાકુર ગેંગનો રીઢો આરોપી મનીષસીંગ મુંબઈમાંથી ઝડપાયો

Files Photo

અમદાવાદ ક્રાઈમબ્રાંચનું મોટું ઓપરેશનઃ આરોપીની ખુન, લુંટ, ખંડણી, ફાયરીંગ જેવા ૧૯ ગંભીર ગુનાઓમાં સંડોવણી

(પ્રતિનિધિ) અમદાવાદ, મોટા મોટા ગુનેગારોને ઝડપીને ગણતરીના દિવસોમાં કેટલાય કેસો ઉકેલવામાં માહેર અમદાવાદ ક્રાઈમબ્રાંચને વધુ એક મોટી સફળતા હાથ લાગી છે જેમાં ક્રાઈમબ્રાંચની ટીમે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમના દુશ્મન ગણાતાં સુભાષસિંગ ઠાકુરની ગેંગના શુટર મનીષસીંગને મહારાષ્ટ્રમાંથી ઝડપી પાડયો છે.

મનીષ વિરુધ્ધ કેટલાય રાજયોમાં કેટલાય ગંભીર ગુનાઓ નોંધાયેલા છે જેમાં તે ભાગતો ફરતો હતો. ક્રાઈમબ્રાંચના પી.આઈ એસ.એમ. પટેલની ટીમને સુભાષસિંગ ઠાકુર ગેંગનો વોન્ટેડ આરોપી મનીષસીંગ ઉર્ફે રાજુ ઉર્ફે છોટુ જગતનારાયણસીંગ (રશ્મી ગાર્ડન, મુંબઈ મુળ. ઉત્તરપ્રદેશ) મુંબઈ ખાતે હોવાની બાતમી મળી હતી

જેને પગલે પીએસઆઈ બુધેલીયા, બે હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ અને કિશોરભાઈને મુંબઈ મોકલવામાં આવ્યા હતા જયાં ત્રણેયે તપાસ કરીને મનીષસીંગ મળી આવતા તેને અમદાવાદ ખાતે પકડી લાવ્યા હતા મનીષ ઉપર ગુજરાતમાં ગેરકાયદેસર હથિયાર, હત્યા અને હત્યાના પ્રયાસો જેવા ગંભીર ગુના દાખલ હતા.

મનીષે વર્ષ ર૦૦૭માં ઉત્તરપ્રદેશના બનારસમાં પોતાનું વર્ચસ્વ જમાવવા માટે મુન્નાગીરી તથા બ્રિજેશ મિશ્રા નામના શખ્શો ઉપર જનશા બજાર ખાતે ખુલ્લેઆમ ૧૦ થી ૧ર રાઉન્ડ ફાયરીંગ કર્યા હતા.

એ જ વર્ષે મનીષને સીમ્સ હોટલ મેનેજમેન્ટના ભાગીદાર અશોક તલરેજાએ સીમ્સના ડાયરેકટર આર.કે. સીંગની સોપારી આપતા તેમની હત્યા કરી હતી જે ગુનામાં તે પકડાઈ ગયો હતો પરંતુ તેને કોર્ટમાં રજુ કરવામાં આવ્યો ત્યારે જુન ર૦૦૯માં તે પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો હતો જયાંથી મુંબઈ ગયા બાદ સાંતાક્રુઝમાં ખંડણી માટે ક્રિષ્ના શેટ્ટી નામના બાર માલિક પર ફાયરીંગ કર્યું હતું.

અગાઉ આર.કે. સીંગની સોપારી આપનાર અશોક તલરેજા ઉપર પણ તેણે વર્ષ ર૦૧રમાં ફાયરીંગ કર્યુ હતું એ જ વર્ષે રપ લાખની ખંડણી ન આપતાં અન્ય એક વેપારીની પણ ગોળી મારી હત્યા કરી હતી. સાલ ર૦૧પમાં બનારસના એક ડોકટર ઉપર પ૦ લાખની ખંડણી માટે હત્યા કરી હતી.

ગુજરાતમાં તેની સામે સાલ ર૦૧૪માં ગેરકાયદેસર હથિયારનો ગુનો નોંધાયો હતો જેમાં પિસ્તોલ સાથે પકડાયેલા કમલસિંગ ઉર્ફે સોનુ નામના આરોપીએ મનીષનું નામ આપ્યું હતું એ જ વર્ષે વડગામમાં લુંટના ગુનામાં પિસ્તોલ સાથે પકડાયેલા ચિરાગ ભુપેન્દ્રસિંહ રાઓલ તથા રાજેન્દ્ર ઉર્ફે રાજન બારડની પુછપરછમાં પણ મનીેષે જ પિસ્તોલ તથા ૧૦ કારતુસ આપ્યાનું ખુલ્યું હતું. જયારે બોટાદમાં એક શખ્સની હત્યાનો બદલો લેવા અમરદીપ પેટ્રોલિયમ નામના પેટ્રોલપંપમાં ઘુસી મનીષ અને તેના સાગરીતે ભરતસિંહ વાળા તથા રણછોડ પટેલની હત્યા કરી હતી.

ઉત્તર પ્રદેશ પોલીસે તેની ઉપર પ૦ હજાર રૂપિયાનું ઈનામ જાહેર કર્યુ છે જયારે હાલ સુધીમાં તેના વિરુધ્ધ ૧૯ જેટલા ગંભીર ગુના નોંધાયેલા છે જેમાંથી ૩ ગુજરાતમાં, ૧ મુંબઈ તથા ૧પ ઉત્તરપ્રદેશમાં નોંધાયેલા છે ક્રાઈમબ્રાંચે મનીષની વધુ પુછપરછ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.