Western Times News

Gujarati News

પેટલાદ બ્રીજ પૂર્ણ થવા અંગે સરકાર મૌન-૯૧૨ દીવસમાં માત્ર ૨૬.૫૯% કામ પૂર્ણ

(તસવીરઃ દેવાંગી ઠાકર) (પ્રતિનિધિ) પેટલાદ, પેટલાદ શહેરની એમજીવીસીએલ કચેરી પાસે ચાર વર્ષ અગાઉ ઓવરબ્રીજનું કામ શરૂ થયું હતું. પરંતુ કોઈપણ કારણોસર છેલ્લા બે વર્ષથી આ કામ ખોરંભે પડી ગયું છે. જેને કારણે શહેર તથા આજુબાજુના લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

ઓવરબ્રીજનું કામ વહેલીતકે પૂર્ણ કરવા સ્થાનિક લોકોએ અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો ઉચ્ચકક્ષા સુધી કરી હોવા છતાં પરિણામ શૂન્ય છે. આ અંગે તાજેતરમાં વિધાનસભાના સત્ર દરમ્યાન પેટલાદના ધારાસભ્યએ આ કામ પૂર્ણ થવા અંગેનો લેખિત પ્રશ્ન રજૂ કર્યો હતો. જેના અનુસંધાનમાં સરકારે મૌન ધારણ કર્યું હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી મુજબ પેટલાદ શહેરમાંથી ખંભાત – નડીયાદ સ્ટેટ હાઈ – વે પસાર થાય છે. આ હાઈ – વે ઉપર પેટલાદની એમજીવીસીએલ પાસે રેલ્વે ફાટક આવેલ છે. જેની ઉપર ઓવરબ્રીજ બનાવવાનું કામ સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું. પરંતુ થોડો સમય કામ ચાલુ રહ્યા બાદ જે તે એજન્સીએ કામ સ્થગિત કરી દિધું હતું.

ત્યારબાદ અનેકવાર રજૂઆતો અને આંદોલનો કર્યા હોવા છતાં બ્રીજનું કામ પુનઃ કાયાર્ન્વિત થયું નથી. આ અંગે તાજેતરમાં વિધાનસભાના બેદિવસીય સત્ર દરમ્યાન પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલે પ્રશ્ન નં ૪૦૨૨૧થી માહિતી માંગી હતી. જે અન્વયે માર્ગ અંને મકાન વિભાગ દ્વારા જવાબ આપતા જણાવ્યું હતું કે આ ઓવરબ્રીજનું કામ તા.૨૧ જાન્યુઆરી ૨૦૧૫ના રોજ થયું હતું. એટલે કે બ્રીજના કામની મંજૂરીને પોણા સાત વર્ષ જેટલો લાંબો સમય થયો છે.

આ કામ સરકાર દ્વારા જીઆરઆઈસીએલ રેલ બ્રીજ ડેવલોપમેન્ટ કંપનીને આપવામાં આવ્યું હતું. અંદાજીત રૂ.૨૭.૩૭ કરોડના ખર્ચે તૈયાર થનાર આ બ્રીજનું કામ તા.૨૭ જાન્યુઆરી ૨૦૧૭ના રોજ થયું હતું. એજન્સીએ આ કામ ૯૧૨ દિવસમાં એટલે કે તા.૨૮ જુલાઈ ૨૦૧૯ સુધીમાં પૂર્ણ કરવાનું હતું. છતાં આજદિન સુધીમાં આ બ્રીજનું માત્ર ૨૬.૫૯% કામ પૂર્ણ થયેલ છે. આ કામ પૂર્ણ થવા અંગે પણ ધારાસભ્યએ લેખિત પ્રશ્ન કર્યો હતો, પરંતુ આ પ્રશ્નનો જવાબ સરકાર દ્વારા નહિં મળ્યો હોવાનું નિરંજન પટેલે જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.