Western Times News

Gujarati News

૧૩૦૦ની લેતીદેતીમાં ૩ મિત્રોએ એકની હત્યા કરી

રાજકોટ, અંજારમાં ગઈ ૨૮ સપ્ટેમ્બરે એક યુવકની હત્યા મામલે પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતુ કે, માત્ર ૧૩૦૦ રૂપિયાની લેતીદેતીમાં ત્રણ મિત્રોએ એક મિત્રની હત્યા કરી નાખી હતી. આ મામલે પોલીસે એક આરોપી મિત્રની ધરપકડ કરી છે. જ્યારે બે આરોપી હજુ પણ ફરાર છે. જેથી પોલીસે અન્ય આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ૩૫ વર્ષીય મૃતક સુરેશ ભુરિયા મૂળ મધ્ય પ્રદેશનો વતની છે. ગઈ ૨૮ સપ્ટેમ્બરના રોજ તે તેના ત્રણ મિત્રો રાજેશ હરીપ્રસાદ, હરીઓમ સાક્ષી અને મુન્ના પ્રસાદ દ્વારા હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. એ સમયે સુરેશ ભુરિયા વરસામેડી ગામમાં હરીઓમ સાક્ષીના ઘરે ત્રણેયને મળવા માટે ગયો હતો. ત્યારે તેઓએ તેની હત્યા કરી હતી.

જ્યારે તેને હોસ્પિટલમાં લાવવા આવ્યો ત્યારે સુરેશની પત્ની રજ્જુને ત્રણેય આરોપીઓએ ધમકી આપી હતી. તેઓએ એવી ધમકી આપી કે, સુરેશે નશાની હાલતમાં પોતાની પર જીવલેણ હુમલો કર્યો હતો એવું પોલીસને કહેવાનું છે. જ્યારે પોલીસને આ વાતની જાણ થઈ તો પહેલાં વિશ્વાસ બેઠો નહીં. પછી પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો.

ગયા બુધવારે પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું કે, મૃતકે જાતે પોતાને તિક્ષ્ણ હથિયારના ઘા માર્યા નથી, પરંતુ બીજા કોઈએ તેને તિક્ષ્ણ હથિયારના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું કે, તેના શરીર પર ચાકૂના ઘા હતા.

શંકાના આધારે પોલીસે મુન્નાની અટકાયત કરીને કડક પૂછપરછ કરી હતી. જે બાદ આરોપી પડી ભાગ્યો હતો અને હત્યાની કબૂલાત કરી હતી. આરોપી મુન્નાએ પોલીસ સમક્ષ કબૂલ્યું કે, તેણે તેના અન્ય બે મિત્રો સાથે મળીને સુરેશની હત્યા કરી હતી.

પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું કે, આરોપી રાજેશે સુરેશ પાસેથી ૧૩૦૦ રૂપિયા ઉછીના લીધા હતા. જેને લઈને વિવાદ થયો હતો. આ વિવાદ બાદ ઉશ્કેરાયેલા ત્રણેય મિત્રોએ સુરેશ ભુરિયાની હત્યા કરી હતી. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરતા આરોપી મુન્નાની ધરપકડ કરી છે. જ્યારે અન્ય ફરાર બે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.