ઉત્તર ડાંગ વન વિભાગ દ્વારા “વન્યપ્રાણી સપ્તાહ” ઉજવણી અંતર્ગત હાથ ધરાઇ વિવિધ પ્રવૃતિઓ
આહવા, તારીખ બીજી ઓક્ટોબર ૨૦૨૧ થી રાજ્ય સમસ્તમા આરંભાયેલા ‘વન્યપ્રાણી સપ્તાહ’ કાર્યક્ષમ અંતર્ગત વનાચ્છતિ ડાંગ જિલ્લામા પણ વન વિભાગ દ્વારા અનેકવિધ પ્રવૃતિઓ હાથ ધરવામા આવી રહી છે.
ઉત્તર ડાંગ વન વિભાગ દ્વારા મળેલી વિગતો અનુસાર તા.૨ જી ઓક્ટોબર ૨૦૨૧ થી ઉત્તર વન વિભાગના બે સબ ડિવિઝનના કાર્યક્ષેત્રમા આવતી જુદી જુદી રેંજ કચેરીઓ મારફત વ્યાપક જનજાગૃતિ કેળવવામા આવી રહી છે. સપ્તાહ ઉજવણીના ભાગરૂપે આ વિસ્તારમા પગપાળા રેલી, બાઇક રેલી સહિતના કાર્યક્રમો હાથ ધરાયા છે.
સુબીર, શિંગાણા, પીપલાઇદેવી, લવચાલી, બરડીપાડા, કાલીબેલ, અને વઘઇ રેંજના વન અધિકારીઓ, વનકર્મીઓ, અને ગ્રામજનોએ આ રેલીમા ભાગ લઈ વ્યાપક લોક ચેતના જગાવી હતી.
બેનર, હોર્ડિંગ્સ અને સૂત્રોચ્ચાર સાથે યોજાયેલી આ રેલી ઉપરાંત, ઉત્તર ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી અગ્નિશ્વર વ્યાસના માર્ગદર્શન હેઠળ, વન વિભાગ દ્વારા નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, ડોક્યુમેન્ટરી ફિલ્મોનુ નિદર્શન સહિત લોકજાગૃતિ અર્થે “તમાશા કાર્યક્રમો” નુ મોટાપાયે આયોજન કરાયુ હોવાનુ વન અધિકારી શ્રી મિત્તલ પટેલે જણાવ્યુ છે.