પેટલાદમાં મુખ્યમંત્રીના સ્વાગતની તડામાર તૈયારી
બપોરે ૨.૩૦ કલાકે પેટલાદના સ્ટેડિયમ સ્થિત હેલિપેડ ખાતે આગમન કરશે.
(પ્રતિનિધિ) પેટલાદ, ગુજરાતના મુખ્યમંત્રી ગુરૂવારે બપોરે ૨.૩૦ કલાકે પેટલાદના હેલીપેડ ખાતે આગમન કરનાર છે. તેઓના મુખ્યમંત્રી બન્યા બાદ જીલ્લામાં આ પ્રથમ વખતનું આગમન હોવાથી ભાજપ સંગઠન, પાર્ટીના પદાધિકારીઓ, વહિવટીતંત્ર તથા પોલિસ વિભાગ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી તારાપુર – વાસદ હાઈ – વેનું લોકાર્પણ કરશે. ઉપરાંત જન આશિર્વાદ યાત્રાને સંબોધન કરનાર હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આણંદ જીલ્લાની મુલાકાતે આવનાર છે. તેઓ બપોરે ૨.૩૦ કલાકે પેટલાદના સ્ટેડિયમ સ્થિત હેલિપેડ ખાતે આગમન કરશે. મુખ્યમંત્રીના આગમન પૂર્વે શહેરના રણછોડજી મંદિરથી કોલેજ ચોકડી સુધીના રાજમાર્ગનું રિપેરીંગ યુદ્ધના ધોરણે કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત આ રસ્તાની સફાઈ તથા કચરાનો નિકાલ પણ તાબડતોબ પાલિકા દ્વારા કરવામાં આવી રહ્યો છે.
પાલિકા સાથે પોલિસ અને વહિવટી તંત્ર પણ તૈયારીઓ કરવામાં વ્યસ્ત થઈ ગયું છે. હેલીપેડ ઉપર આગમન બાદ મુખ્યમંત્રી સ્વામિ સચ્ચિદાનંદ મહારાજના આશ્રમે શુભેચ્છા મુલાકાત લેશે. ત્યાંથી તેઓ બોચાસણ ખાતે પહોંચશે. જ્યાં તેઓના હસ્તે તારાપુર – વાસદના ૪૮ કિ.મી. છ માર્ગિય હાઈ – વેનું લોકાર્પણ કરશે. ત્યારબાદ તેઓ બોચાસણની અક્ષરવાડી ખાતે જન આશિર્વાદ યાત્રાને સંબોધન કરવાના હોવાનું જાણવા મળે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે લોકાર્પણના આ કાર્યક્રમ સાથે સાથે જીલ્લામાં સવારે પીપળાવથી જન આશિર્વાદ યાત્રાનો પ્રારંભ કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં થશે. જે યાત્રા ઈસણાવ, સોજીત્રા, પલોલ, તારાપુર, સાંઠ, જીણજ, ખંભાત, કંસારી, જલુંધ, બામણવા, વિરસદ, ધર્મજ થઈ બોચાસણ પહોંચશે. જ્યાં આ યાત્રા સભામાં પરિવર્તિત થશે.