Western Times News

Gujarati News

તહેવારો શરૂ થતાં જ સિંગતેલમાં ૮૦ અને કપાસિયામાં ૭૦નો વધારો

રાજકોટ, તહેવારોની શરૂઆત થઈ ગઈ છે, ત્યા નવરાત્રિના પહેલા જ દિવસે ધ્રાસ્કો પડી જાય તેવા સમાચાર આવ્યા છે. એક તરફ પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો આસમાને ગયો છે. ત્યાં નવરાત્રિના પહેલા જ નોરતે ખાદ્યતેલોના ભાવમાં મોટો ભડકો થયો છે. સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં અત્યાર સુધીનો સૌથી મોટી ભાવ વધારો થયો છે.

રાજકોટમાં ખાદ્યતેલના ભાવમાં મોટો ભડકો થયો છે. બે દિવસના ગાળામાં જ સિંગતેલના ભાવમાં ૮૦ રૂપિયાનો વધારો થયો છે. તો કપાસિયા તેલના ભાવમાં ૭૦ રૂપિયાનો વધારો થયો છે. આ ભાવ વધારા બાદ સિંગતેલનો ડબ્બો ૨૫૨૦ રૂપિયા પહોંચ્યો છે. તો કપાસિયા તેલનો ડબ્બો ૨૪૩૦ રૂપિયા થયો છે. મગફળીની નવી સિઝન શરૂ થાય તે પહેલાં સિંગતેલના ભાવમાં ફરી વધારો જાેવા મળ્યો છે.

નવરાત્રિ અને દિવાળીના તહેવાર પર તેલનો વધુ ઉપયોગ થતો હોય છે. ત્યારે નફો કમાવવા તેલીયા રાજા કરતા સંગ્રહખોરી કરતા હોય છે. જેની સીધી અસર લોકોના બજેટ પર થાય છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં તેલના ભાવ ભડકે બળી રહ્યા છે. આ કારણે લોકોના ખિસ્સા પર તેની ભારે અસર આવી રહી છે. આમ છતાં આ ભાવને કાબૂમાં કરવા માટે પુરવઠા તંત્ર પાસે કોઇ જ રસ્તો નથી અને માત્ર પ્રાઈઝ મોનિટરિંગ સિસ્ટમ પર નજર રાખી હોવાનું ગાણુ અધિકારીઓ ગાઈ રહ્યા છે. આ પ્રાઈઝ મોનિટરિંગ સિસ્ટમમાં પુરવઠા તંત્ર રાજ્યના તમામ શહેર અને જિલ્લાઓમાંથી દરરોજ ૩૨ વસ્તુઓ કે જેને આવશ્યક ચીજવસ્તુની શ્રેણીમાં મુકી છે તેના છૂટક અને હોલસેલ ભાવ નોંધાય છે.

રાજ્યના પુરવઠા વિભાગે ટેકાના ભાવે મગફળી અને કપાસની ખરીદી કરી છે જેના ગોડાઉન ભર્યા છે. આ માલ પર અલગ અલગ ખર્ચ સહિત નાફેડ વેચવા સમયાંતરે પ્રયત્ન કરે છે. જાે કે આ ભાવ ઊંચા પડે છે તેમ કહીને ખરીદી કરાતી નથી અને તેલના ભાવ વધી રહ્યા છે. આ રીતે ભાવ વધારો કરીને નાફેડના ગોડાઉનની મગફળી પણ સસ્તાભાવે લેવાનો પ્રયાસ કરવા ઘણા તત્વોએ પ્રયત્નો શરૂ કરી દીધા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.