શિવરંજની ચાર રસ્તા પર કારે બાઈકને ટક્કર મારતા બેને ઈજા
અમદાવાદ, શહેરમાં થોડા સમય પહેલાં શિવરંજની ચાર રસ્તા પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. ત્યારે ફરી એકવાર પશ્વિમ વિસ્તારમાં જ હિટ એન્ડ રનની ઘટના નોંધાઈ છે.
જેમાં પૂરપાટ ઝડપે આવી રહેલી કારે એક બાઈકને જાેરદાર ટક્કર મારી હતી. જે બાદ સીએનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા. એવું કહેવાય છે કે, જે કાર દ્વારા ટક્કર મારવામાં આવી છે એ શહેરના જાણીતા બિલ્ડરની પુત્રી ચલાવી રહી હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના પશ્ચિમ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. એવી ચર્ચા છે કે, શહેરના જાણીતા બિલ્ડર અમિત પટેલની પુત્રી આ કાર ચલાવી રહી હતી.
એ સમયે તેણે બાઈકને જાેરદાર ટક્કર મારી હતી. જેમાં બાઈક પર જઈ રહેલા અને સીએનો અભ્યાસ કરી રહેલાં વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જાે કે, અકસ્માત સર્જી કાર ચાલક યુવતી ઘટના સ્થળેથી ફરાર થઈ ગઈ હતી.
ઘટનાના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. બાદમાં જાણ થતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે, કાર ચાલક યુવતી ગરબા રમીને ઘરે જઈ રહી હતી. એ સમયે અચાનક આ અકસ્માત સર્જાયો હતો. બાદમાં તે ઘટના સ્થળેથી નાસી ગઈ હતી.
મહત્વનું છે કે, થોડા સમય પહેલાં જ શિવરંજની પાસે આવી જ એક હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં આરોપી કાર ચાલક પર્વ શાહે ફૂટપાથ પર સૂઈ રહેલાં લોકોને કચડી નાખ્યા હતા. ત્યારે ફરી એકવાર આ હિટ એન્ડ રનની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. દિવસે ને દિવસે શહેરમાં આવી નાની મોટી હિટ એન્ડ રનની ઘટના બની રહી છે.SSS