મેઘાણીનગરનાં પીઆઈ ઉપર પોલીસ સ્ટેશનમાં જ હુમલો: મારી નાંખવાની ધમકી અપાઈ
બહેન સાસરે ન જતી હોવાનો ગુસ્સો શખ્શે પીઆઈ ઉપર ઉતાર્યો
(પ્રતિનિધિ) અમદાવાદ, હાલ સુધીમાં કેટલાય શખ્શો પોલીસ સાથે જાહેરમાં ઘર્ષણમાં ઉતર્યા અને ઝપાઝપી કરી તેવા બનાવો સામે આવ્યા છે પરંતુ મેઘાણીનગરના પીઆઈ સાથે પોલીસ સ્ટેશનમાં જ આવો બનાવ બન્યો હોવાની ફરીયાદ ખુદ પીઆઈ જે.એલ. ચૌહાણે નોંધાવી છે આરોપી શખ્શે વાતચીત દરમિયાન તેમની ફેંટ પકડીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
આ અંગેની વિગત એવી છે કે રાહુલ કેશવલાલ ચંદ્રાકર (આગમન રેસીડેન્સી, નવા નરોડા)ની બહેન દર્શનાબેન ઠાકુર (ભાર્ગવ રોડ) તેમની સાસરીમાં જતી ન હોવાથી રાહુલે પતિ-પત્નીના ઝઘડા બાબતે મેઘાણીનગર પોલીસને અરજી આપી હતી જે અનુસંધાને રાહુલ સોમવારે બપોરના સુમારે મેઘાણીનગર પોલીસ સ્ટેશને આવ્યો હતો અને વાતચીત દરમિયાન તેણે પીઆઈ જયપ્રકાશ ચૌહાણને તમે પોલીસવાળા મારી બહેનને કેમ સાસરે મોકલતા નથી તેમ કહીને ગાળો બોલી હતી જેથી પીઆઈ ચૌહાણે આ અરજીમાં ફેમીલી મેટર હોઈ અને તમારી બહેન સાસરીમાં જવા ન માંગતી હોઈ અમે કંઈ કરી ન શકીએ તેમ સમજાવતા જ રાહુલ ઉશ્કેરાઈ ગયો હતો અને પીઆઈ ચૌહાણ કંઈ સમજે એ પહેલાં જ તેમની છાતીમાં એક ફેંટ મારી દીધી હતી જેથી પીઆઈએ રાહુલનો હાથ પકડી બહાર કાઢયો હતો.
દરમિયાન તેમની સાથે ઝપાઝપી કરીને ફેંટ પકડી લીધી હતી ઉપરાંત પોલીસ સ્ટેશનના પરીસરમાં જ સ્ટાફની હાજરી વચ્ચે પીઆઈને હું તને જીવતો નહી છોડુ અને બહાર નીકળો હું તમારો ખેલ ખતમ કરી નાખીશ તેવી ધમકીઓ આપી હતી આ દરમિયાન હાજર સ્ટાફ પણ ચોંકી ગયો હતો અને પીઆઈ ચૌહાણની મદદે પહોંચી રાહુલને પકડી લીધો હતો બાદમાં તેમણે પોતાની ફરીયાદ નોંધાવી હતી.
આ અંગે વાત કરતાં પીઆઈ ચૌહાણે જણાવ્યું હતું કે રાહુલને સમજાવતો હતો એ દરમિયાન અચાનક જ ઉશ્કેરાઈને તેણે આ પગલુ ભર્યું હતું પ્રાથમિક તપાસ રાહુલ વિરૂધ્ધ ચારેક ગુના છેતરપીંડીના નોંધાયેલા હોવાનું માલુમ થયું છે તેના વિરુધ્ધ ફરીયાદ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.