Western Times News

Gujarati News

૧પ૦૦ કરોડનું ફુલેકુ ફેરવનાર અમોલ શેઠને ક્રાઈમબ્રાંચ જેસલમેરથી પકડી લાવી

ગુજરાત સહીત કેટલાંય રાજયોમાં વેપારીઓ ભોગ બન્યા: પાંચ વર્ષથી ફરાર હતો છ સાગરીતોની શોધ ચાલુ

(પ્રતિનિધિ) અમદાવાદ, ગુજરાતના કેટલાય વેપારીને રૂપિયા ઈન્વેસ્ટ કરી ઉંચુ વળતર આપવાના સપનાં બતાવી રૂપિયા ૧પ૦૦ કરોડનું ફુલેકુ ફેરવીને રફુચક્કર થઈ જનાર અનિલ સ્ટાર્ચના માલિક અમોલ શેઠને અમદાવાદ ક્રાઈમબ્રાંચે રાજસ્થાનથી ઝડપી લીધો છે અમુલની સાથે અન્ય એક વ્યકિત પણ પકડાયો છે.

આ અંગેની વિગત એવી છે કે આશરે નવ વર્ષ અગાઉ અનિલ સ્ટાર્ચના માલીક અમોલ શ્રીપાલભાઈ શેઠ (આંગણ બંગલો, કોટેશ્વર ગામ, ગાંધીનગર)એ પોતાની ત્રણ કંપનીઓ શરૂ કરીને અમદાવાદ શહેર સહીત ગુજરાત તથા અન્ય રાજયોના વેપારીઓ પાસેથી ઈન્વેસ્ટમેન્ટના નામે ફંડ મેળવીને ઉંચુ વ્યાજ આપવાની લાલચ આપી હતી.

જેમાં કેટલાંયે વેપારીઓ પાસેથી રૂપિયા ૧પ૦૦ કરોડ જેટલી અધધધ રકમ મેળવી લીધા બાદ તેણે વર્ષ ર૦૧૬ની આસપાસ તમામને વળતર આપવાનું બંધ કર્યું હતું જેના પગલે એક વર્ષ બાદથી તેના વિરૂધ્ધ વેપારીઓએ પોલીસ ફરીયાદ કરવાની શરૂ કરતાં અમોલ શેઠ રાતોરાત વેપારીઓના નાણાં લઈ ફરાર થઈ ગયો હતો અને ત્યારથી અન્ડર ગ્રાઉન્ડ થઈ ગયો હતો.

આ અંગેની એક ફરીયાદ ક્રાઈમબ્રાંચમાં શિલજમાં રહેતા કેદારભાઈ તામ્બે નામના વેપારીએ પણ નોંધાવી હતી જેમના ૧૪.પ૦ લાખ રૂપિયા અમોલ શેઠ ચાંઉ કરી ગયો હતો.

ક્રાઈમબ્રાંચની ટીમો તેની શોધમાં જ હતી એ દરમિયાન પીઆઈ સંજય ગામેતીની ટીમને તે જેસલમેર, રાજસ્થાનમાં હોવાની માહીતી મળતાં જ ક્રાઈમબ્રાંચની ટીમો જેસલમેરના એક રીસોર્ટમાં પહોંચી હતી અને તેને ઝડપી લીધો હતો તેની સાથે અન્ય એક આરોપી શીવ પ્રસાદ સીતારામ કાબરા (પાર્થ ઈન્દ્રપ્રસ્થ ટાવર, વસ્ત્રાપુર)ને પણ પોલીસે તેની સાથે જ પકડી લીધો છે.

આ અંગેની વાત કરતા પીઆઈ ગામેતીએ કહયું હતું કે નવ વર્ષ અગાઉ મળતિયાઓ સાથે અમોલે સિધ્ધાર્થ કોન માર્ટ અનિલ ટ્રેડ કોમ તથા અનિલ સ્ટાર્ચ નામની ત્રણ કંપનીઓ ખોલી હતી જેમાંથી સિધ્ધાર્થ તથા અનિલ ટ્રેડ કોમમાં ફકત ટ્રેડીંગ થતું હતું.

અમોલ અને તેના સાગરીતો ભોગ બનનાર વેપારીઓ પાસે અનિલ ટ્રેડ કોમમાં રૂપિયાનું રોકાણ કરાવી નાણાંની અવેજીમાં ગેરંટી તરીકે અનિલ ટ્રેડકોમના ઓથોરાઈઝની સહીવાળી બિલ ઓફ એકસચેન્જની રીસીપ્ટ તથા મકાઈ ખરીદીના રીટેઈલ ઈન્વોઈસ તથા પાકતી મુદતના બેન્કના ચેકો આપી પાકતી તારીખે નાણાં આપી વિશ્વાસ કેળવતાં હતા બાદમાં તેમણે રૂપિયા આપવાનું બંધ કરી દેતાં સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું.

અમોલે તેના સાગરીતો સાથે મળી ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર સહીતના રાજયોમાંથી નાણાં મેળવી આશરે રૂા.૧પ૦૦ કરોડની ઠગાઈ આચરી હતી તેની સાથેના હજુ છ આરોપી ફરાર છે જેમની શોધ ચાલુ છે. જયારે અમોલની પુછપરછમાં ઘણી હકીકતો બહાર આવવાની સંભાવના છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.