Western Times News

Gujarati News

ગ્રાહકોને ઓનલાઈન મંગાવેલા માલની બારોબાર ડીલીવરી લઈ ઠગાઈ કરતા બે શખ્સ ઝડપાયા

૧ હજારથી વધુ નાગરીકો સાથે ઠગાઈ કરી ૧૨ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે

(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ શહેર સાયબર ક્રાઈમની ટીમે ઓનલાઈન શોપીંગ વેબસાઈટનાં ગ્રાહકોનો ડેટા મેળવીને બારોબાર ચીજવસ્તુઓની ડીલીવરી મેળવી લેતાં બે ખેપાનીઓને ઝડપી લેવામાં સફળતા મેળવી છે. અને મોંઘી ઈલેક્ટ્રીક વસ્તુઓ સહિત કુલ રૂપિયા ૧૨ લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યાે છે. લીક થયેલા ડેટાનાં આધારે બંને ગઠીયા ગ્રાહક વસ્તુનાં ઓર્ડર બાદ રૂપિયા ચૂકવે એ પછી સરનામું બદલીને રોડ ઉપર ડીલીવરી મેળવી લેતાં હતાં.

છેલ્લાં કેટલાંક સમયથી ઓનલાઈન શોપીંગ કરતાં ગ્રાહકોની વસ્તુઓ કેટલાંક ઈસમો બારોબાર મેળવી લેતા હોવાની કેટલીય ફરીયાદો ઊઠી હતી. જેના પગલે સાયબર ક્રાઈમ પોલીસે આ અંગે કાર્યવાહી શરૂ કરી હતી અને પીઆઈ એમએન દેસાઈને આ અંગેની તપાસ સોંપવામાં આવી હતી.

જેને પગલે પીએસઆઈ કે.એમ.પરમારને કેટલાંક શખ્સો બેવકુફ, ફ્લીપકાર્ટ, બ્રાન્ડ ફેક્ટરી, ટાટા ક્લીક જેવી વેબસાઈટનાં યુઝરોનો ડેટા ચોરીને આવાં ગુનાને અંજામ આપતાં હોવાનું જાણવા મળ્યું હતું. જેનું પગેરૂ મેળવતાં સાયબર ક્રાઈમની ટીમે દરોડો પાડીને ગૌતમ ઉર્ફે પૃથ્વી કેશુભાઈ બારડ (અમરેલી) તથા નિલેશ ભીમાભાઈ બાબરીયા (કેશોદ, જૂનાગઢ)ને ઝડપી લીધા હતા. તેમની પાસેથી ૨૫ મોબાઈલ તથા ૨ થેલા મળી આવ્યા હતા. ઉપરાંત ૮૦ જેટલી ચીજવસ્તુઓ પણ કબ્જે કરવામાં આવી હતી. જેની કુલ કિંમત ૧૨.૧૦ લાખ રૂપિયા છે.

નામ-સરનામાં બદલી ચીટીંગ કરતા
બંને આરોપીની સઘન પૂછપરછ કરતાં તેમણે ટેલીગ્રામનાં ઘણાં ગ્રુપોમાંથી ગ્રાહકોનો ડેટા મેળવ્યાનું કહ્યું હતું. ડેટા મળ્યા બાદ બંને ટેલીગ્રામ એપ્લીકેશન પરથી હેકીંગ ટુલ ડાઉનલોડ કરી આ વેબસાઈટોમાં ગ્રાહકોનાં યુઝર આઈડી તથા પાસવર્ડને આધારે લોગ ઈન કરીને તેમણે ઓનલાઈન પેમેન્ટ કર્યું છે કે કેમ તે ચેક કરતાં હતા. જાે ઓનલાઈન પેમેન્ટ કર્યું હોય તો કસ્ટમરનું નામ, સરનામુ અને ડિલીવરી મેળવવાનું સ્થળ બદલી નાંખતા હતા. બાદમાં ડિલીવરી બોયને રોડ પર બોલાવી ઓર્ડર મેળવતાં હતાં.

૧૦૦૦થી વધુ લોકો સાથે ઠગાઈ આચરી
તપાસ દરમિયાન ગૌતમ તથા નિલેશે મિંત્રા, અજીઓ, ટાટા ક્લીક સહિત સાત વેબસાઈટોનાં ડેટાનો ઉપયોગ કરી ૧૦૦૦થી વધુ ગ્રાહકોને ચૂનો ચોપડ્યો હતો. પોલીસે ૮૦ વસ્તુઓ રીકવર કરી છે. જાેકે અગાઉ બંનેએ કેટલીય વસ્તુઓ સગેવગે કરી નાંખી છે. જેની પણ તપાસ ચાલુ છે.

ગ્રાહકોનો ડેટા ઓનલાઈન વેચાઈ રહ્યો છે
પકડાયેલા આરોપીઓની ઝીણવટભરી તપાસ કરતાં બંને ટેલિગ્રામનાં ઘણાં ગ્રુપોમાં સામેલ છે. જેમાં અન્ય પણ મેમ્બરો છે. તેમનાં ફોનની ચેટ તથા સોફ્ટવેરનો અભ્યાસ કરતા કેટલાંક ગ્રુપોમાંથી નેટફ્લીકસ, હોટ સ્ટાર, સોની લાઈવ, પ્રાઈમ વીડીયો, ઝી-૫ જેવાં ઓટીટી પ્લેટફોર્મ પ્રથા અન્ય સબ સ્ક્રાઈબ ધરાવતાં કસ્ટમરોનો લીક થયેલો ડેટા પણ મળી આવતો હતો. સાયબર ક્રાઈમે આ ઘટના બાદ ગ્રાહકોને પોતાનાં પાસવર્ડ સમયાંતરે બદલી નાંખવા સલાહ આપી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.