Western Times News

Gujarati News

સોલામાં સામાન્ય તકરારમાં લુખ્ખા તત્વો દ્વારા પથ્થરમારા બાદ વાહનોમાં તોડફોડ

ત્રણ રહીશો ઘાયલ: પાંચ જેટલાં વાહનોને નુકસાન

(પ્રતિનિધિ) અમદાવાદ, કેટલાક સમયથી શહેરમાં સ્થાનિક લુખ્ખાઓનો ત્રાસ વધ્યો છે ખાસ કરીને આવા અસામાજીક તત્વો નાની નાની બાબતોમાં પણ મોટા ઝઘડા કરી મારામારી કરી નાગરીકોને ડરાવવાનો પ્રયાસ કરતાં હોય તેવી ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે ત્યારે ચાંદલોડીયામાં આવેલી એક સોસાયટીમાં સાઈકલ સાથે અથડાવા જેવી બાબતે લુખ્ખા તત્વોએ પથ્થરમારો કર્યા બાદ વાહનોમાં તોડફોડ કરી હતી.

ચાંદલોડીયાના જગતપુર રોડ પર આવેલી રણછોડરાયનગરમાં રહેતા અરવિંદભાઈ મોર્ય અને તેમના સોસાયટીના અન્ય રહીશો મંગળવારે રાત્રે તેના ઘર આગળ ઉભા હતા ત્યારે સોસાયટીમાં રહેતા અનીલ યાદવ તથા વિક્કી નામના બે શખ્સો મોટરસાયકલ લાવી સાયકલ સાથે અથડાવતા અરવિંદભાઈએ તેમને ઠપકો આપ્યો હતો.

જેથી વિક્કીએ પોતાની પાસેથી છરી કાઢીને સોસાયટીના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યાંથી ગયા બાદ શની તથા જેડી નામના શખ્શો ત્યાં આવ્યા હતા અને અનીલનું ઉપરાણું લઈ તમામને ગાળો બોલીને પથ્થરમાોર કર્યો હતો જેમાં કેટલાંક રહીશો ઘાયલ થયા હતા જે સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ સોલા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવવા ગયા હતા.

એ જ વખતે ફરીથી અનિલ અને અન્ય શખ્શો સોસાયટીમાં તલવાર તથા અન્ય હથિયારો લઈ ઘુસી આવ્યા હતા બાદમાં સોસાયટીના વાહનોમાં તોડફોડ શરૂ કરી હતી જેમાં પાંચથી વધુ વાહનોને નુકસાન પહોચ્યુ હતું સોલા પોલીસે ફરીયાદના આધારે અનીલ યાદવ, વીક્કી, સંતોષ કોરી, રાહુલ કોલી, શની તંદુરી તથા જેડી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.