ગટરની સમસ્યા બાબતે સુલતાનપુરાની મહિલાઓએ પંચાયત કચેરી પર દેખાવો
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ઝઘડિયા નગર તથા સોસાયટી વિસ્તારોમાં કેટલા વર્ષો પૂર્વે સુએજ ગટરલાઈનની લાખો રૂપિયા ખર્ચ કરી કામગીરી કરવામાં આવી હતી.સુએજ ગટર લાઈનની કામગીરી અધૂરી અને તકલાદી હોય શરૂઆતના દિવસોથી સુએજ ગટરલાઈન વારંવાર લિકેજ થવાની ઘટનાઓ બનતી રહે છે.
ગ્રામજનો ગટરલાઈનથી એક તબક્કે ત્રાસી ગયા હોય તેમ લાગે છે ! બ્લોક થવાના કારણે ઉભરાતી સુએજ લાઈનના સમારકામ બાબતે ગ્રામ પંચાયત જવાબદારી રહેતી નથી અને સુએજ લાઈન અમોએ અધુરી કામગીરીના કારણે હેન્ડ ઓવર લીધી નથી તેમ જણાવી હાથ અધ્ધર કરે છે.
અવાર નવાર આ બાબતે ગ્રામજનોએ ઝઘડીયા મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી,પ્રાંત અધિકારી અને કલેકટર સુધી સુએજ ગટર લાઈન નો યોગ્ય નિકાલ કરવા લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી છે.ગ્રામજનોની રજૂઆત બાદ પણ ગ્રામજનો ચલક ચલાણી નો ભોગ બની રહ્યા છે.
આજરોજ ઝઘડિયા ટાઉનના સુલતાનપુરા વિસ્તારમાં સુએજ લાઈન છેલ્લા કેટલાક દિવસોથી ફરીથી લીકેજ થતી હોય મહિલાઓ આ બાબતે રણચંડી બની હતી અને ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયત કચેરી પર હલ્લાબોલ કર્યો હતો.મહિલાઓનો હલ્લાબોલ બાદ ગામના ઉપ સરપંચ અને તલાટી સ્થળ પર દોડી ગયા હતા.
જ્યાં મહિલાઓએ ઉગ્ર રજૂઆત કરી હતી અને ઉપસરપંચની હાજરીમાં જ સરપંચની હાય હાયના નારા બોલાવ્યા હતા. ગ્રામજનોના સુએજ ગટરલાઈન વારંવાર ઉભરાતી હોય તાલુકા થી લઈ જિલ્લા અને રાજ્ય કક્ષા સુધી કોઈ ગ્રામજનોનું સાંભળવા વાળુ નથી જે શરમજનક ઘટના કહી શકાય.
અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ ઘણી વખત સુએજ ગટર લાઈન ઉભરાય છે અને ગ્રામજનોની ઉગ્ર રજૂઆત બાદ મોડે મોડે પણ તેનું સમારકામ હાથ જેતે તંત્ર દ્વારા ધરવામાં આવે છે,તો શું ઝઘડિયાના નગરજનોએ આ સળગતા પ્રશ્નો બાબતે કાયમ ઉગ્ર બોલાચાલી કરીને જ તેનું નિરાકરણ લાવવાનું રહે ! જીલ્લા કલેકટર ઝઘડિયાની આ સમસ્યા માટે કેમ કોઈ જવાબદાર વિભાગની જવાબદારી નકકી કરી શકતા નથી તેમ ભોગ બનનાર ગ્રામજનો જણાવી રહ્યા છે.