મછાલ સેક્ટરમાં આતંકીઓ સાથે અથડામણમાં ખેડાના વણઝારિયા ગામનો જવાન શહીદ

નડિયાદ, જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ સામેની અથડામણમાં ગુજરાતના જવાને શહાદત વહોરી છે. મીડિયા રિપોર્ટ મુજબ ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના વણઝારિયા ગામના રહેવાસી ૨૫ વર્ષીય હરીશસિંહ રાધેસિંહ પરમાર છેલ્લા પાંચ વર્ષથી ઈન્ડિયન આર્મીમાં ફરજ બજાવી રહ્યા હતા. Braveheart Harish Singh, who made the supreme sacrifice in the line of duty at #machhal sector jammu and kashmir during a search operation
દરમિયાન જમ્મૂ કાશ્મીરમાં તૈનાત હતા ત્યારે મછાલ સેકટરમાં આતંકીઓ સામેની અથડામણમાં હરીશસિંહ શહીદ થયા હોવાનું જાણવા મળ્યું છે. જેથી સમગ્ર વણઝારિયા ગામમાં શોકનો માહોલ છવાયો છે.
ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે ઘણા દિવસથી અથડામણ ચાલી રહી છે. આ અથડામણમાં અત્યાર સુધી ૯ સૈનિકો શહીદ થયા છે જેમાં ૨ જેસીઓ પણ સામેલ છે. શનિવારે સર્ચ ઓપરેશન દરમિયાન એક જેસીઓ સહિત ૨ સૈનિકોના મૃતદેહ મળ્યા હતા.
બીજી બાજુ કાશ્મીરમાં સેનાએ નાગરિકોની હત્યા બાદ ૯ જેટલી અથડામણમાં ૧૩ જેટલા આતંકવાદીઓને ઠાર કર્યા છે. અથડામણમાં શહીદ થનારાઓમાં ગુજરાતના જવાનનો પણ સમાવેશ થાય છે.
મીડિયા રિપોર્ટ મુજબ જવાન હરીશસિંહ પરમારની શહીદીના સમાચાર મળતા જ ખેડાના કપડવંજના વણઝારીયા ગામમાં પરિવાર સહિત ૨૫૦૦ની વસ્તી ધરાવતું આખું ગામ હિબકે ચઢ્યું હતું. દીકરો શહીદ થતાં પરિવારજનો ચોધાર આંસુએ રડી પડ્યા હતા. દરમિયાન તેમના ઘરે સાંત્વના પાઠવવા આવતા ગ્રામજનો ભારત માતા કી જય અને મા ભોમની રક્ષા કાજે પોતાના પ્રાણોનું સર્વોચ્ચ બલિદાન આપનાર હરીશસિંહ અમર રહો તેવા નારા લગાવી રહ્યા છે.
શહીદ જવાન હરીશસિંહ પરમારના પિતાના જણાવ્યા અનુસાર જમ્મુથી ભારતીય સૈન્યના મેજરનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, હરીશ શહીદ થઈ ગયા છે. જે સાંભળતાં પિતા ભાંગી પડ્યા હતા. સાથે જ તેમને ગૌરવ પણ થયું કે તેમના દીકરાએ મા ભોમની રક્ષા માટે પોતાનું બલિદાન આપ્યું છે.
ગ્રામજનોના જણાવ્યા અનુસાર તેમના માટે સારો અને દુઃખનો દિવસ કહી શકાય છે. નવયુવાન દેશની સુરક્ષા માટે શહાદત આપતા આખું વણઝારિયા ગામ દુઃખની સાથે સાથે ગર્વની લાગણી પણ અનુભવી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હરીશસિંહ પરમાર પાંચ વર્ષથી ઈન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા હતા. દરમિયાન જમ્મૂ કાશ્મીરમાં તેમને તૈનાત કરવામાં આવ્યા હતા આતંકીઓ સામેની અથડામણમાં હરીશસિંહ શહીદ થતા સમગ્ર ખેડા પંથકમાં શોકનો માહોલ છવાયો છે.