Western Times News

Gujarati News

દિવાળી પહેલાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનું વિચારો છો, તો વાંચી લો કેટલા દિવસ બંધ છે, SoU

ગુજરાતમાં નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ૨૮ ઓક્ટોબરથી ૧ નવેમ્બર સુધી સામાન્ય પ્રવાસીઓ માટે બંધ રહેશે. અધિકારીઓએ આ માહિતી આપી છે.

તેમણે કહ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૭મી જન્મજયંતિ પર ઉજવણી માટે આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે, ૩૧ ઓક્ટોબરે, રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવશે.

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૮૨ મીટર ઉંચી પ્રતિમા જાેવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ કેવડીયા પહોંચે છે. આ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સામાન્ય પ્રવાસીઓ માટે બંધ હોવાની માહિતી સ્ટેચ્યુના ચીફ એડમિનિસ્ટ્રેટરની ઓફિસ દ્વારા સત્તાવાર વેબસાઇટ પર બહાર પાડવામાં આવી છે. નોટીસમાં જણાવવામાં આવ્યું છે કે વલ્લભભાઈ પટેલની પ્રતિમા સાથે, તેને લગતા અન્ય આકર્ષણો પણ ૨૮ ઓક્ટોબરથી ૧ નવેમ્બર સુધી સામાન્ય પ્રવાસીઓ માટે બંધ રહેશે.

અધિકારીઓનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૧ ઓક્ટોબરના રોજ કેવડિયા પહોંચી શકે છે, જે ભારતના લોહપુરુષની જન્મજયંતિ છે. જાેકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ગયા વર્ષે ૩૧ ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી.

વર્ષ ૨૦૨૦ માં સ્ટેચ્યુ ઓફ યુનિટીએ કમાણીની દ્રષ્ટિએ દેશના ટોચના ૫ સ્મારકોને પાછળ છોડી દીધા છે. ૩૧ ઓક્ટોબર ૨૦૧૩ ના રોજ સરદાર પટેલના જન્મદિવસ નિમિત્તે ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વિશાળ પ્રતિમાના નિર્માણનો શિલાન્યાસ કર્યો હતો.

પાંચ વર્ષ બાદ ૩૧ ઓક્ટોબર ૨૦૧૮ ના રોજ વડાપ્રધાન મોદીએ તેનું ઉદ્‌ઘાટન પણ કર્યું. માત્ર દોઢ વર્ષમાં આ સ્મારકે ૧૨૦ કરોડથી વધુની કમાણી કરી હતી. વર્ષ ૨૦૧૮ માં ઉદ્‌ઘાટન બાદ એક વર્ષમાં ૨૪ લાખથી વધુ પ્રવાસીઓ અહીં પહોંચ્યા હતા. જેનાથી લગભગ ૬૪ કરોડની કમાણી થઇ હતી. વર્ષ ૨૦૧૯માં આ સ્મારક દેશનું ટોચનું ૫ સૌથી વધુ કમાણી કરતું સ્મારક બન્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.