ભાજપના ૧૫થી ૨૦ નગરસેવક શિવસેનાના સંપર્કમાં છે: શિવસેના

મુંબઇ, મુંબઈમાં બીએમસીની ચૂંટણીની હલચલ અત્યારથી શરુ થઈ ગઈ છે. દેશમાં સૌથી અમીર મહાનગર પાલિકા બીએમસીની ચૂંટણી આવતા વર્ષ ૨૦૨૨માં ફેબ્રુઆરીમાં થવાની છે. અત્યારથી બીએમસી ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓમાં ચર્ચા શરુ થઈ ગઈ છે. ત્યારે બીએમસી પર અનેક વર્ષોથી રાજ કરી રહેલી શિવસેનાએ મોટો દાવો કર્યો છે.
બીએમસીમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને શિવેસેનાના નેતા યશવંત જાધવે દાવો કર્યો છે કે ભાજપના ૧૫થી ૨૦ નગરસેવક શિવસેનાના સંપર્કમાં છે. શિવસેના નેતા યશવંત જાધવે એમ પણ દાવો કર્યો છે કે તે તમામ ભાજપથી ખુશ નથી?
આ મુદ્દા પર બીએમસી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને શિવસેના નેતા યશવંત જાધવે પ્રેસ કોન્ફરન્સ કરી આ જાણકારી આપી. જે બાદ ભાજપની પ્રતિક્રિયા આવવી સ્વાભાવીક હતી. ભાજપ તરફથી વિનોદ મિશ્રાનું કહેવું છે કે શિવસેના નેતા યશવંત જાધવે દિવાળીની પહેલા એક સૂરસુરિયો ટેટો ફોડ્યો છે કે ભાજપના નગર સેવક શિવસેનાના સંપર્કમાં છે. આ ખોટું છે. શિવસેનાએ કોરોનાના સમયમાં કેટલા ઘોટાળા કર્યા છે તેના પર વાત કરો.
ઉલ્લેખનીય છે કે બીએમસીમાં કુલ ૨૨૭ સીટો છે. મનાઈ રહ્યું છે કે તમામ મોટી રાજનીતિક પાર્ટી બીએમસીના તમામ ૨૨૭ સીટો પર સ્વતંત્ર ચૂંટણી લડવાનો વિચાર કરી રહી છે. મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડીની સરકાર છે. જેમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપી છે. પરંતુ સૂત્રોના જણાવ્યાનુસાર તમામ પાર્ટી બીએમસીમાં સ્વતંત્ર ચૂંટણી લડવા પર વિચાર કરી રહી છે.HS