Western Times News

Gujarati News

હવે જો રેલવે પરિસરમાં ગંદકી કરી તો તાત્કાલિક ૫૦૦ રુપિયા સુધીનો દંડ થશે

મુંબઈ, રેલવે પરિસરમાં કચરો જ્યાં ત્યાં ન ફેંકવો, થૂંકવું નહિ તેમજ પરિસરને અસ્વચ્છ કરવું નહિ એ બાબતે રેલવેએ સ્ટીકર્સ તેમજ બિલબોર્ડ્‌સ લગાડવાનું શરુ કર્યું છે. છતાંય જાે કોઈ આમ કરતાં પકડાશે તો રેલવે પરિસરમાં ઉપદ્રવ કરવા બદ્દલ સંબંધિતને ૫૦૦ રુપિયા સુધીનો દંડ ભરવો પડશે.

તાજેતરમાં મુંબઈના ૪૬ સ્ટેશનને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (એનજીટી) દ્વારા ઈકો-સ્માર્ટ ટેગ્સ મળ્યાં છે. ઈકો સ્માર્ટ ટેગ અંતર્ગત રેલવે સ્ટેશન્સ ‘પોલ્યુટર પે’ (પ્રદૂષક પાસેથી ચૂકવણી) સિદ્ધાંત પર કામ કરશે, જ્યાં પ્રદૂષણ કરનારને તુરંત જ દંડ ભરવાનું કહેવામાં આવશે.

રેલવેએ દર્શાવેલ હૉર્ડિંગ્સમાં સંભવિત કારણો દર્શાવાયા છે, જેમાં રેલવે સ્ટાફ દ્વારા ૫૦૦ રુપિયા સુધીનો દંડ થઈ શકે છે. આવું એક હૉર્ડિંગ્સ મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશનના દાદરા પર પણ જાેવા મળ્યું છે, જેમાં લખ્યું છે કે, કચરો, રેપર, પ્લાસ્ટિક કવર નાંખી સ્ટેશન પરિસર ન બગાડો અને રેલવેને સ્વચ્છ અને સુંદર રાખવા મદદ કરો. સિગારેટ અને બીડીના ધૂમ્રપાન પર પ્રતિબંધ છે. રેલવે કાયદાની આધાર ૧૯૮ અંતર્ગત જાે કોઈ રેલ પરિસર અસ્વચ્છ કરતું હોય તો તેને અધિકૃત રેલવે અધિકારી ૫૦૦ રુપિયા સુધીનો દંડ કરી શકે છે.

પશ્ચિમ રેલવેની માહિતીનુસાર, સ્ટેશન પરિસરમાં થૂંકતાં કે કચરો ફેંકતા અને પરિસર બગાડતાં ૨૪૪૨ લોકો પાસેથી ૫.૦૩ લાખનો દંડ વસૂલાયો છે. જ્યારે મધ્ય રેલવેના અધિકારીઓએ જણાવ્યું કે આ વર્ષે એપ્રિલથી સપ્ટેમ્બર દરમ્યાન આવું કૃત્ય કરનારા ૧૦૭૮ લોકો પાસેથી ૨.૪૨ લાખનો દંડ વસૂલાયો છે.

સ્ટેશન પરિસરને અસ્વચ્છ થતું અટકાવવા ટિકીટ-ચેકર્સ અને આરપીએફ અધિકારીઓને આરોપી પાસેથી દંડ વસૂલવાનો હક્ક અપાયો છે. ઉપરાંત તમામ સ્ટોલધારકોએ પણ પોતાની આસપાસ કચરો ફેંકવા માટે બાસ્કેટ રાખવી, બોટલ ક્રશિંગ મશીન બેસાડવા, સીસીટીવી મશીનથી દેખરેખ રાખવી વગેરે બાબતો પર પણ ધ્યાન અપાઈ રહ્યું છે.

ભારતીય રેલવેમાં ૭૨૦ ઈકો-સ્માર્ટ સ્ટેશન્સ છે. જેમાં મુંબઈના સીએસએમટી, કુર્લા એલટીટી, દાદર, કલ્યાણ અને પનવેલ જેવા ૪૬ સ્ટેશનોનો સમાવેશ છે. પશ્ચિમ રેલવેમાં મુંબઈ સેન્ટ્રલ એ મુંબઈ પ્રદેશનું ‘પોલ્યુટર પે’ પોલીસી પર કાર્યરત થનારું પ્રથમ સ્ટેશન બન્યું છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.