બાઇક ટોઇંગ કરાતાં પોલીસ-લોકો વચ્ચે બબાલ
અમદાવાદ, રાજકોટ સહિત શહેરોમાં ઘર્ષણની ઘટનાઓ
અમદાવાદ, અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિતના શહેરોમાં નવા ટ્રાફિક નિયમો આવ્યા બાદ પોલીસ દ્વારા થઇ રહેલી વાહનો ટોઇંગ કે દંડની વસૂલાત સહિતના કેટલાક કિસ્સામાં નારાજ નાગરિકો પોલીસ સીધા ઘર્ષણમાં ઉતરી જાય અને તેને લઇ બબાલનું સ્વરૂપ ધારણ કરે તેવા કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે. ખુદ ટ્રાફિક પોલીસ પણ નાગરિકોની મુશ્કેલી અને હાલાકી સમજી રહી છે પરંતુ નવા નિયમો અને ઉપરથી આદેશ હોવાના કારણે તેઓ પણ નાગરિકો પાસેથી દંડ વસૂલવા અને કાર્યવાહી કરવા મજબૂર બનતા હોય છે ત્યારે આવા કિસ્સાઓ ગંભીર પરિણામો લાવી શકે તેવી પણ ચર્ચા જાર પકડી રહી છે.
આજે પણ રાજકોટ શહેરના ગોંડલ રોડ પર ટ્રાફિક વ્હિકલ દ્વારા રસ્તા પર પડેલા બાઇક હટાવતા મામલો બિચક્યો હતો. રસ્તા પર પડેલા બાઇક ટોઇંગ કરવા મામલે લોકોમાં રોષ ભભૂક્યો હતો.
આથી લોકો અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. ટ્રાફિક પોલીસ પાસે લોકોએ લાયસન્સ માંગ્યું હતું. ટોઇંગ વ્હિકલ ચાલક પાસે પોલીસે પણ દંડ ભરાવ્યો હતો.
સ્થાનિક લોકો દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવતા પોલીસ દોડી આવી હતી અને લોકો સાથે બોલાચાલી થઇ હતી. તેમજ પોલીસને હળવો બળપ્રયોગ કરવાની પણ ફરજ પડી હતી. આ મામલે પોલીસે ત્રણ લોકોની અટકાયત કરી રસ્તો શરૂ કરાવ્યો હતો. હાલ પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાતા શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે. જા કે, નાગરિકોમાં ટ્રાફિકના નવા નિયમોને લઇ ભારોભારો રોષ અને આક્રોશ સ્પષ્ટ જાવા મળી રહ્યો છે. તા.૧૫મી ઓકટોબર પછી તેની વિધિવત્ અમલવારી થવાની છે તે વાતને લઇ પબ્લીક ગુસ્સામાં જાવા મળી રહી છે.