Western Times News

Gujarati News

કંટાળા રૂપી કાંટાને જીવનમાંથી ફગાવી દો

ઘણા માણસો વારંવાર બોલતા હોય છે કે ‘કંટાળો આવે છે.’ માનવીના મન સાથે આ કંટાળા નામની અભાવ રૂપી લાગણી સંકળાયેલી હોય છે. કોઈ એક કામ વારંવાર તથા એક ધાર્યું કરતાં કરતાં અમુક વ્યક્તિઓને કંટાળા નામની અભાવ રૂપી લાગણી ઉદભવે છે.

પોતાને રસ પડતી ક્રિયા કરવામાં કોઈ દિવસ માણસને કંટાળો આવતો નથી.પરંતુ નીરસ કામ કરતા તે મનથી હારી જતાં કે થાકી જતા કંટાળો આવવાથી એ ધીરે ધીરે એદી તથા આળસુ અને હતાશ બની જાય છે.

વારંવાર એક જ પ્રવૃતિ કરતા એ કંટાળીને તે કાર્ય પડતું મૂકીને બીજું કાર્ય કરવાથી અણગમો થતો અટકે છે. કંટાળો આવતાં કોઈએ અકળાયા વગર ચિત્ત શાંત રાખીને બીજા વિચારો કરવા જાેઈએ.

કંટાળાને દૂર કરવા માનવીને મનોરંજનમાં ભાગ લેવો જાેઈએ કે સંગીત સાંભળતા અથવા રસમય પ્રવૃતિ કરતાં કે આરામ અને સારી ઉંઘ લેતા અથવા ભગવાનની સ્તુતિ કરતાં કે બહાર લટાર મારવા જવું જાેઈએ.

અમુક અમુક દિવસને અંતરે રસમય પ્રવૃતિથી પણ દૂર રહેવું જાેઈએ જેથી કંટાળા રૂપી કડવી દવાનો ઘૂંટડો પીવો ન પડે.
કંટાળો રૂપી શબ્દોના ફક્ત ત્રણ જ અક્ષર માનવીને નીરસ તથા હતાશ બનાવી દે છે. ‘કંટાળો આવે છે’ આ ત્રણ શબ્દો બોલવામાં જ માનવી જીવનમાં થાપ ખાઈ જાય છે

કંટાળો દૂર કરવા માનવીએ શરીરથી તંદુરસ્ત તથા મનથી તાજા રહેવું જાેઈએ જેથી કંટાળા રૂપી રસનું બાષ્પીભવન થઈ જાય છે.

માનવી પાસે જ્યારે કોઈ પ્રવૃતિ હાથમાં રહેતી નથી ત્યારે તે વ્યક્તિને કંટાળા રૂપી લાગણીનો ભાસ થાય છે. દુકાનમાં ઘરાકી ન રહેતા, ક્રિકેટની રમતમાં સારો સ્કોર ન થતાં કે વિકેટ ન પડતાં પ્રક્ષકો કંટાળી જાય છે. એક સરખી વાર્તાઓ પર બનતા ચિત્રપટોથી પ્રેક્ષકગણ કંટાળી જાય છે.

ઘણા વખતથી ચાલતી માંદગીથી દરદી કંટાળી જાય છે અને લગ્નસરામાં વારંવાર જમણવારથી આમંત્રિત મહેમાનોને ખાવા પર અણગમો આવી જાય છે. એકધારી વસ્તુથી માણસને કંટાળો આવ્યા વગર રહેતો નથી.

કંટાળા રૂપી શત્રુને હણવા ઉત્સાહ તથા ઉમંગ રૂપી તલવારનો પ્રહાર કરવો જાેઈએ અને આનંદ રૂપી ઢાલનો સહારો લેવો જાેઈએ. કંટાળાને ટાળવાથી માનવી હરહમેંશ સ્ફૂર્તિમાં રાચશે પણ કંટાળીને બેસી રહેવાથી માનવી સુસ્તી અનુભવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.