Western Times News

Gujarati News

કોરોના રસીકરણમાં ભારતે ૧૦૦ કરોડ ડોઝનો આંકડો પાર કર્યો

નવી દિલ્હી, ભારતે આજે દુનિયામાં ઐતિહાસિક મુકામ હાંસલ કર્યો છે. દેશે ૧૦૦ કરોડ કોરોના રસીકરણના જાદુઈ આંકડાને પાર કર્યો છે. આંતરિયાળ પહાડી વિસ્તારોથી લઈને કાંઠા વિસ્તારો સુધી જે પ્રકારે રસીકરણ પૂરપાટ ઝડપે ચાલી રહ્યું છે તે પ્રશંસનીય છે.

આ વર્ષે ૧૬ જાન્યુઆરીથી શરૂ થયેલા રસીકરણ બાદ અત્યાર સુધીમાં ૧૦૦ કરોડથી વધુ ડોઝ લોકોને અપાઈ ચૂક્યા છે. દેશે ૨૮૦ દિવસમાં આટલી મોટી સફળતા મેળવી. કદાચ આ જ પરિણામે અનેક રાજ્યોમાં નવા કેસની સંખ્યા તો ૧૦૦ કરતા પણ ઓછી થઈ ગઈ છે.

નીતિ આયોગના સભ્ય (સ્વાસ્થ્ય) ડો. વીકે પોલે કોરોના રસીકરણના ૧૦૦ કરોડના આંકડાને પાર કરવા બદલ ભારતના લોકો અને સ્વાસ્થ્ય કર્મીઓને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે કોઈ પણ દેશ માટે ૧૦૦ કરોડ ડોઝના આંકડા સુધી પહોંચવું તે ખુબ મોટી ઉપલબ્ધિ છે. ભારતે રસીકરણ કાર્યક્રમ શરૂ થયા બાદથી ફક્ત ૯ મહિનામાં જ આ ઉપલબ્ધિ હાંસલ કરી છે.

ડો. પુનમ ખેત્રપાલ સિંહ (રિજનલ ડાયરેક્ટર, ઉૐર્ં સાઉથ ઈસ્ટ એશિયા) એ ૧૦૦ કરોડ રસીકરણનો આંકડો પાર કરવા બદલ ભારતને શુભેચ્છા પાઠવી. તેમણે કહ્યું કે એક વધુ માઈલસ્ટોન પાર કરવા બદલ ભારતને શુભેચ્છા.

અત્રે જણાવવાનું કે આજે દેશભરમાં ૧૦૦ સ્મારકોને તિરંગાથી રોશન કરવાની યોજના છે. લાલ કિલ્લા પર ૨૨૫ ફૂટ લાંબો તિરંગો લહેરાવવામાં આવશે. જેનું વજન લગભગ ૧૪૦૦ કિગ્રા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧૮,૪૫૪ કેસ નોંધાયા છે. હાલ દેશમાં ૧,૭૮,૮૩૧ એક્ટિવ કેસ છે. રિકવરી રેટ ૯૮.૧૫% થયો છે. જે ગત માર્ચ ૨૦૨૦ બાદ સૌથી વધારે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.