વીજ કેબલ ચોરી કરનારા સામે કડક કાર્યવાહી કરાશેઃ ઊર્જા મંત્રી મુકેશ પટેલ
સુરત, ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, કેન્દ્રીય રેલવે, ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ અને કૃષિ, ઊર્જા, પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે ઓલપાડ તાલુકાના ટકારમા ગામે જ.ર.પટેલ ટકારમા વિભાગ માધ્યમિક શાળા ખાતે નીતિ આયોગ અને એલ. એન્ડ ટી. કંપનીના સહયોગથી અટલ ઈનોવેશન મિશન હેઠળ રૂ.૨૦ લાખના ખર્ચે નવનિર્મિત અટલ ટીંકરીંગ લેબને ખુલ્લી મૂકવામાં આવી હતી.
મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, નવી પેઢી દેશનું ભવિષ્ય છે. ભવિષ્યમાં દેશના વિકાસની જવાબદારી ભાવિ પેઢીના શિરે છે. કેન્દ્ર સરકારના નીતિ આયોગ સંચાલિત અટલ ઈનોવેશન મિશન હેઠળ ધો.૬ થી ૧૨ના વિદ્યાર્થીઓ સાયન્સ અને ટેક્નોલોજીમાં ઊંડો રસ લઇ ડિજિટલ ટેક્નોલોજીના માધ્યમથી અભ્યાસમાં સ્માર્ટ બને, શાળામાં જ સંશોધન કરી શકે શકે તે હેતુથી અટલ ટીંકરીંગ લેબ ખુબ ઉપયોગી છે, ત્યારે વિદ્યાર્થીઓએ આ સ્માર્ટ લેબનો વધુમાં વધુ લાભ લઈ જ્ઞાનશક્તિમાં વધારો કરે તે જરૂરી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, સુરત જિલ્લાના ખેડૂતોની સિંચાઈ સુવિધા માટે કેનાલમાં પાણી છોડવાનું ઝડપથી શરૂ કરાશે. ઉપરાંત જિલ્લામાં વીજ કેબલ ચોરી કરનારા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાં પોલીસ તંત્રને સૂચના આપવામાં આવી છે.
ઓલપાડ તાલુકાના કરંજ ગામે ભારે વરસાદમાં મકાન ધસી પડતાં આહીર દંપતિના નિધન અંતર્ગત તેમના પરિવારને કુલ રૂ. ૮ લાખની ત્વરિત સહાય સહિત તાલુકામાં રાજ્ય સરકાર દ્વારા આકસ્મિક ઘટનાઓમાં આપવામાં આવેલી અન્ય સહાય અંગે વિગતો આપી જનકલ્યાણકારી કાર્યોની ગતિ હવે અટકશે નહિ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશે ભારતના તમામ બાળકો-વિદ્યાર્થીઓ આગામી સમયમાં શિક્ષણની સાથે વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં પોતાના સુષુપ્ત કૌશલ્યને ઉજાગર કરે, અને આ પ્રકારની લેબના ઉપયોગ દ્વારા દેશના વિકાસ માટે ઉપયોગી સંશોધનો કરી દેશને ટેકેનોલોજી હબ બનાવવામાં સહયોગ આપે તે જરૂરી હોવાનું જણાવી શાળા પરિવાર અને એલ.એન્ડ ટી.કંપનીને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ‘ઓલપાડ તાલુકા આઝાદદિન સ્મારક કેળવણી મંડળ’ સંચાલિત જ.ર.પટેલ શાળા અને એલ.એન્ડ ટી. કંપનીના શિક્ષણની સાથે ઈનોવેશનમાં વિદ્યાર્થીઓ રસ લેતાં થાય એવા પ્રયાસો કરવાં બદલ અભિનંદન પાઠવ્યા હતાં.
આ કાર્યક્રમમાં આઝાદદિન સ્મારક કેળવણી મંડળના પ્રમુખ ધનસુખ પટેલ, જિલ્લા પક્ષ પ્રમુખ સંદિપ દેસાઈ, એલ. એન્ડ ટી. કંપની(સુરત)ના વાઈસ ચેરમેન અતિક દેસાઈ, સાયણ સુગરના ચેરમેન રાકેશ, જ.ર.પટેલ શાળા સંચાલક મંડળના પ્રમુખ મનહર પટેલ, અગ્રણી બ્રિજેશ પટેલ સહિત શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.HS