મોડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં “આર.એન્ડ.બી વિભાગ હાય હાય”ના નારા સાથે સરડોઇ નજીક રોડ પર ચક્કાજામ
(પ્રતિનિધિ) મોડાસા, મોડાસા તાલુકાના રખિયાલ,સરડોઇ અને શામપુર તરફ જવાનો રોડ બિસ્માર હાલતમાં અને ખખડધજ બનતા છેલ્લા ઘણા સમયથી રોડ પર ગાબડાં પડતાં રોડ પરથી પસાર થતા વાહન ચાલકો તેમજ સ્થાનિકોને અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે અને વારંવાર લોકોને અકસ્માતનો ભોગ બનવું પડી રહ્યું છે સરડોઇ નજીક ગ્રામજનોએ રોડ પર બેસી જઈ અને રોડ પર વાહનોનો ખડકલો કરી દઈ “આર.એન્ડ.બી વિભાગ હાય હાય” ના નારા લગાવી તંત્રને ઢંઢોળવાનો પ્રયત્ન કર્યો હતો રોડ પર પડેલા ખાડાઓનું સમારકામ અને નવીનીકરણ ની માંગ કરી હતી પોલીસતંત્ર ઘટનાસ્થળે પહોંચી ચક્કાજામ દૂર કર્યો હતો.
મોડાસા તાલુકાના સરડોઇ,રખિયાલ,શામપુર,દાવલી સહિતના ગ્રામ્ય વિસ્તારને જોડાતો રોડ છેલ્લા એક વર્ષે કરતા વધારે સમયથી બિસ્માર હાલતમાં છે આ રોડ પર અનેક ગામો આવેલા છે અને પરિવહન માટે મુખ્ય માર્ગ ગણાય છે અને રોડ પર ઠેક ઠેકાણે કપચા નીકળી ગયા છે તો સરડોઇ થી રખિયાલ તરફના રોડ પર બાવળથી અડધો રોડ ઢંકાઈ ગયો છે અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવી પડી રહી છે તેમજ વાહન ચાલકોને છાશવારે અકસ્માતનો ભોગ બનવું પડી રહ્યું છે ત્યારે આ અંગે સ્થાનિકોએ તંત્રને અનેકવાર મૌખિક રજૂઆત કરવા છતા કોઈપ્રકારની કામગીરી નહિ થતા તંત્રની કામગીરી અંગે અનેક સવાલો ખડા થયા છે.
તત્વ ઇન્સ્ટિટ્યૂટ કેમ્પસના ડાઈરેક્ટર અને કોંગ્રેસ પ્રદેશ મંત્રી જયદત્તસિંહ પુવારના, જણાવ્યા અનુસાર આ રોડની સમસ્યા અંગે જવાબદાર તંત્રને અનેકવાર રજુઆત કરી છે અને આના લીધે રોડ પર આવેલ અનેક ગામોના લોકોને ભારે હાલાકી ભોગવી પડી રહી છે. અને સત્વરે આ ગંભીર સમસ્યાનો ઉકેલ લાવવા માટે માંગ કરી હોવા છતાં પ્રજાજનોની સમસ્યાનું નિરાકરણ ન આવતા ન છૂટકે ચક્કાજામ કરી ગાઢ નિંદ્રામાં પોઢેલા તંત્રને જગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે જવાબદાર તંત્ર યોગ્ય કાર્યવાહી નહિ કરે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવું પડશે.*