જમ્મુ-કાશ્મીરના ડોડામાં મિની બસ ખીણમાં ખાબકતાં 8નાં મોત
શ્રીનગર, જમ્મુ-કાશ્મીરના ડોડામાં ગુરુવારે મોટી દુર્ઘટના ઘટી છે. થાથરીથી ડોડા જઈ રહેલી એક મિની બસ ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 8 લોકોનાં મૃત્યુ નિપજ્યાં છે અનેક લોકો ઘાયલ છે. ઘટનાસ્થળે હાલ બચાવ કામગીરી ચાલી રહી છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું હતું કે મેં ડોડાના ડિસ્ટ્રિક્ટ કલેક્ટર વિકાસ શર્મા સાથે વાત કરી છે. ઇજાગ્રસ્તોને GMC ડોડા ખસેડવામાં આવી રહ્યા છે. જેમ જેમ સહાયતાની જરૂર પડશે એમ એમ અમે ઉપલબ્ધ કરાવીશું.
જમ્મુ-કાશ્મીરના ડોડામાં આજે વહેલી સવારે એક મોટો અકસ્માત થયો છે. ગુરુવારે સવારે જમ્મુના થાથરી-ડોડા રોડ પર સુઈ ગ્વારી ખાતે એક માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા આઠ મુસાફરોનાં મોત થયાં હતાં અને એક ડઝનથી વધુ ઘાયલ થવાની આશંકા છે. મળતી માહિતી મુજબ, ડોડા નજીક એક મિની બસ ખાડીમાં પડી જતાં આ અકસ્માત થયો હતો. કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે આ અંગે માહિતી આપી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, એક મિની બસ ઠઠરીથી ડોડા જઈ રહી હતી ત્યારે સુઈ ગ્વારીમાં ડ્રાઈવરે બસ પરનો પોતાનો કાબૂ ગુમાવ્યો હતો અને મિની બસ ચેનાબ નદીના કિનારે ઊંડી ખીણમાં ખાબકી હતી. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, વાહનમાં મુસાફરી કરી રહેલા આઠ મુસાફરનાં મોત અને દસથી બાર લોકો ઘાયલ થવાની આશંકા છે. હાલ તો લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અકસ્માતમાં થયેલાં મૃત્યુ મામલે દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું હતું કે પીએમએનઆરએફ તરફથી મૃતકોનાં પરિવારજનને રૂ-2-2 લાખની સહાય, જ્યારે ઘાયલોને રૂ. 50000ની સહાય આપવાની જાહેરાત કરી હતી.