અમદાવાદમાં ડેન્ગ્યુ-ચીકન ગુનિયાનો કહેર યથાવત
અમદાવાદ શહેરમાં પ્રથમ વખત ચીકનગુનિયાના ૧૨૦૦ કરતા વધારે કેસ નોંધાયા છે.
અમદાવાદ, અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુ અને ચીકનગુનિયા જેવા જીવલેણ અને ઘાતકરોગના કેસ ચિંતાજનક હદે વધી રહ્યા છે. ચીકનગુનિયાના કેસની સંખ્યા પ્રથમ વખતએક હજારને પાર કરી ગઈ છે. જ્યારે ડેન્ગ્યુના કેસમાં ગત વર્ષની સરખામણીએ લગભગ ૫૦૦ ટકાનો વધારો નોંધાયો છે.
શહેરમાં મચ્છરજન્ય રોગચાળાની સાથે સાથે કમળો, ટાઈફોઈડ અને કોલેરા જેવા પાણીજન્ય રોગના કેસમાં પણ વધારો જાેવા મળ્યો છે. મચ્છરજન્ય રોગચાળાના કેસમાં વધારો થતાં મ્યુનિ.આરોગ્યતંત્ર દોડતું થઈ ગયું છે. તેમજ ફોગીંગ અને દવા છંટકાવમાં વધારો કરવામાં આવ્યો છે.
સ્માર્ટસીટીના નાગરીકો કોરોના બાદ વધુ એક વખત રોગચાળાના સકંજામાં આવી ગયા છે. કોરોનાના કેસ નહીવત જાેવા મળે છે. પરંતુ તેની સામે ચીકનગુનિયા અને ડેન્ગ્યુનો રોગચાળો વકરી રહ્યો છે. અમદાવાદ શહેરમાં પ્રથમ વખત ચીકનગુનિયાના ૧૨૦૦ કરતા વધારે કેસ નોંધાયા છે.
સૂત્રોએ જણાવ્યા મુજબ શહેરમાં ૨૦૦૬ની સાલમાં ચીકનગુનિયાનો આતંક જાેવા મળ્યો હતો તથા ૬૦૭૭૭ શંકાસ્પદ કેસ નોંધાયા હતા જેની સામે કન્ફર્મ કેસની સંખ્યા માત્ર ૨૨ હતી. ૨૦૧૩ની સાલમાં પ્રથમ વખત ચીકનગુનિયાના કેસની સંખ્યા ત્રણ આંકડામાં જાેવા મળી હતી.
૨૦૧૩માં ૩૪૯ કેસ કન્ફર્મ થયા હતા. જ્યારે ૨૦૧૬માં ૪૪૭, ૨૦૧૭માં ૨૫૭, ૨૦૧૮માં ૧૯૪, ૨૦૧૯માં ૧૮૩ તથા ૨૦૨૦માં ૯૨૩ કેસ નોંધાયા હતા. જેની સામે ૨૦૨૧માં ૧લી જાન્યુઆરીથી ૩૦ ઓક્ટોબર સુધી ચીકનગુનિયા ૧૨૦૪ કેસ કન્ફર્મ થયા છે. ૨૦૨૦ના ઓક્ટોબર મહિનામાં ચીકનગુનિયાના માત્ર ૧૦૪ કેસ નોંધાયા હતા. જેની સામે ૨૦૨૧ના ઓક્ટોબર મહિનામાં ૭૭૫ કેસ કન્ફર્મ થયાં છે. આમ, છેલ્લાં દસ મહિનામાં ચીકનગુનિયાના જેટલા કેસ નોંધાયા છે તેના ૩૨ ટકા કેસ ઓક્ટોબર મહિનામાં જ નોંધાયા છે.
શહેરમાં ચીકનગુનિયાની સાથે સાથે ડેન્ગ્યુ જેવા ઘાતક અને જીવલેણ રોગના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. એક અંદાજ મુજબ ડેન્ગ્યુની કેસમાં પાંચ વર્ષથી નાની ઉંમરના બાળકોની સંખ્યા વધારે છે. ૨૦૨૧માં ડેન્ગ્યુના ૨૪૨૫ કેસ નોંધાયા છે. ૨૦૨૦ના સમગ્ર વર્ષ દરમ્યાન ડેન્ગ્યુના માત્ર ૪૩૨ કેસ નોંધાયા હતા.
આમ, ગત વર્ષની સરખામણીએ ડેન્ગ્યુના કેસમાં પાંચથી છ ગણો વધારો જાેવા મળ્યો છે. ૨૦૨૦ના ઓક્ટોબર મહિનામાં ડેન્ગ્યુના માત્ર ૧૦૪ કેસ નોંધાયા હતા. જેની સામે ૨૦૨૧માં ૩૦ ઓક્ટોબર સુધી ડેન્ગ્યુના ૭૭૫ કેસ નોંધાયા છે. જે ૨૦૨૦ના ઓક્ટોબર મહિના કરતા લગભગ સાત ગણા વધારે છે.
ડેન્ગ્યુ કેસના છેલ્લા પાંચ વર્ષના પ્રાપ્ત આંકડા મુજબ ૨૦૧૫માં ૨૧૬૫ કેસ, ૨૦૧૬માં ૨૮૫૨, ૨૦૧૭માં ૧૦૭૯, ૨૦૧૮માં ૩૯૩૫, ૨૦૧૯માં ૪૫૪૭ તેમજ ૨૦૨૦માં ડેન્ગ્યુના ૪૩૨ કેસ નોંધાયા હતા. ડેન્ગ્યુ અને ચીકનગુનિયાના કેસમાં થતા વધારા સામે મેલેરીયા અને ઝેરી મેલેરીયાના કેસમાં ઘટાડો જાેવા મળ્યો છે. જેના કારણે તંત્રને થોડી રાહત છે.
શહેરમાં મચ્છરજન્ય રોગચાળાની સાથે સાથે પાણીજન્ય રોગચાળો પણ વકરી રહ્યો છે. ૨૦૨૧માં ૩૦ ઓક્ટોબર સુધી ઝાડા ઉલ્ટીના ૩૨૫૦, કમળાના ૧૧૩૫, ટાઈફોઈડના ૧૭૮૩ તથા કોલેરાના ૬૪ કેસ નોંધાયા છે. જેની સામે ૨૦૨૦માં ઝાડા ઊલ્ટીના ૨૦૭૨, કમળાના ૬૬૪, ટાઈફોઈડના ૧૩૩૮ અને કોલેરાના શૂન્ય કેસ નોંધાયા હતા.
૨૦૨૦ના ઓક્ટોબર મહિનામાં ઝાડા ઊલ્ટીના ૧૫૪, કમળાના ૬૧, ટાઈફોઈડના ૧૬૬ તેમજ કોલેરાના શૂન્ય કેસ નોંધાયા હતા. જેની સરખામણીએ ઓક્ટોબર ૨૦૨૧માં ઝાડાઉલ્ટીના ૫૪૨, કમળાના ૧૨૭ તથા ટાઈફોઈડના ૨૦૨ કેસ નોંધાયા છે. આમ, ૧લી ઓક્ટોબરથી ૩૦ ઓક્ટોબર સુધીના સમયગાળા દરમ્યાન ડેન્ગ્યુના ૭૭૫, ચીકનગુનિયાના ૩૯૯, સાદા મેલેરીયાના ૯૫, ઝેરી મેલેરીયાના ૧૬, ટાઈફોઈડના ૨૦૨, ઝાડા ઉલ્ટીના ૫૪૨, કમળાના ૧૨૭ તેમજ કોલેરાના શૂન્ય કેસ નોંધાયા છે.
મ્યુનિ.આરોગ્ય વિભાગના વડા ડો.ભાવિનભાઈ સોલંકીના જણાવ્યા મુજબ મચ્છરજન્ય રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે બ્રીડીંગ શોધવા, દવા છંટકાવ અને લોહી પરીક્ષણની ઝુંબેશ ચાલી રહી છે. ઓક્ટોબર મહિનામાં લોહીના ૬૭૭૪૩ સીરમ સેમ્પલની તપાસ કરવામાં આવી છે. જ્યારે ડેન્ગયુ માટે ૪૩૯૩ સીરમ સેમ્પલનીતપાસ કરવામાં આવી છે.
મેલેરીયા વિભાગ દ્વારા ૬૩૬૩૧૭ મકાનોમાં આઈ.આર.સ્પ્રે કરવામાં આવ્યા છે. જ્યારે ૯૪૫૩ બિનરહેણાંક મિલ્કતોમાં પણ સ્પ્રે કરવામાં આવ્યા છે. પાણીજન્ય રોગચાળાને કાબુમાં લેવા માટે ચાલુ વર્ષમાં ૮૨૯૩ પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે. જે પૈકી ૧૬૧ સેમ્પલ અનફીટ જાહેર થયા છે. જ્યારે ૨૦૨ સ્થળે પાણીમાં ક્લોરીનનો અભાવ જાેવા મળ્યો છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.