માત્ર એક રૂપિયા માટે કંડક્ટરને ટિફિન મારીને લોહીલુહાણ કર્યાે
AMTS બસના કંડ્કટર પાસે એક રૂપિયો છૂટો ન હોવાથી મામલો ઉગ્ર બન્યો હતો
અમદાવાદ, રાયપુર કામનાથ મહાદેવ મંદિર પાસે એએમટીએસ બસના કંડ્કટર પાસે એક રૂપિયો છૂટો ન હોવાથી પેસેન્જરે તેની સાથે ઝઘડો કરી સ્ટીલનું ટિફિન માથામાં મારીને લોહીલુહાણ કરી દીધો હોવાની ઘટના સામે આવી છે.
નરોડા મેમ્બકો એએમટીએસ બસ સ્ટેન્ડના કંડ્કટર ધનાભાઈ ખરાડીએ વિનોદભાઈ ચૂનારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ધનાભાઈ રોજ નિગમ સોસાયટીથી મૂઠિયા ગામ નરોડા સુધીની ટ્રિપ મારે છે. ગઈ કાલે તેમની બસમાં સાંજના સમયે વિનોદભાઈ ચૂનારા નામના એક પેસેન્જર નરોડા બેઠક સ્ટેન્ડથી રાયપુર દરવાજા સુધી જવા માટે બસમાં બેઠા હતા.
જેમના ટિકિટના બાર રૂપિયા ધનાભાઈને આપ્યા હતા, ધનાભાઈએ બે રૂપિયા પરત આપીને કહ્યું કે એક રૂપિયો આગળના સ્ટેન્ડથી તમે મારી પાસેથી લઈ લેજાે.
રાયપુર કામનાથ મહાદેવ મંદિર વિનોદભાઈનું સ્ટેન્ડ આતાં તેમણે ધનાભાઈ પાસે એક રૂપિયો માંગ્યો હતો. જાેકે ધનાભાઈ પાસે એક રૂપિયો છૂટો ન હોવાથી વિનોદભાઈએ તેમની સાથે બોલાચાલી કરીને ઝઘડો કર્યાે હતો. જાેતજાેતામાં વિનોદભાઈએ એકદમ ઉશ્કેરાઈ જઈને ધનાભાઈને સ્ટીલનું ટિફિન માથામાં તેમજ કાનનાં ભાગ પાસે મારી દેતાં તેમને લોહી નીકળવા લાગ્યું હતું.
ધનાભાઈએ બૂમાબૂમ કરતાં આસપાસના લોકો આવી જતાં તેને વધુ મારમાંથી છોડાવ્યા હતા. ત્યારબાદ ૧૦૮માં ધનાભાઈને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાયા હતા. સારવાર દરમિયાન કંડ્કટર ધનાભાઈએ વિનોદભાઈ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.