દક્ષિણ નાઈજરના મરાડીમાં શાળામાં આગ ફાટી નીકળતા ૨૫ માસુમના મોત

નાઇજર, ૮ નવેમ્બરના રોજ દક્ષિણ નાઈજરના મરાડીમાં સ્ટ્રો હટ ક્લાસરૂમમાં લાગેલી આગમાં પાંચથી છ વર્ષની વયના ઓછામાં ઓછા ૨૫ બાળકોના મોત થયા હતા. સોમવારના રોજ સવારે જ્યારે બાળકો શાળામાં જઈ રહ્યા હતા, ત્યારે આગ ફાટી નીકળી હતી. આ આગને કારણે શાળાના અન્ય વિદ્યાર્થીઓ પણ ઘાયલ થયા હતા. આગનું કારણ અને સ્ત્રોત હજૂ સુધી જણી શકાયું નથી.
મરાડી શહેરના મેયર ચાઈબોઉ અબુબાકરે સ્થાનિક મીડિયાને માહિતી આપી હતી કે, સોમવારના રોજ (૮ નવેમ્બર)ના રોજ આગની ઘટનામાં આવા ત્રણ સ્ટ્રોથી બનેલા વર્ગખંડોને નુકસાન થયું હતું. જ્યારે નાઇજરમાં ઇંટોથી બનેલી મુખ્ય શાળાની ઇમારતો તમામ શાળાના બાળકોને સમાવવા માટે અપૂરતી બની જાય છે, ત્યારે વધારાના વર્ગખંડો વારંવાર બાંધવામાં આવે છે, જે સામાન્ય રીતે લાકડા અને સ્ટ્રોના બનેલા હોય છે.
અસંખ્ય મૃતદેહો બળી ગયેલા વર્ગખંડોમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, તેમજ ઈજાગ્રસ્ત થયેલા સંખ્યાબંધ શાળાના બાળકોને કારમાં મૂકવામાં આવ્યા હતા અને તેમને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. બીબીસીએ એક પ્રત્યક્ષદર્શીને ટાંકીને આ અંગે અહેવાલ આપ્યો હતો.
આ આગમાં ઘાયલ થયેલા કેટલાક નાના બાળકોની હાલત ગંભીર છે. આ દુઃખદ ઘટનાને પગલે શાળામાં અન્ય તમામ વર્ગો રદ્દ કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, નાઈજરમાં કોઈ શાળામાં આગ લાગી હોય તેવી આ પહેલી ઘટના નથી, જેના કારણે વિદ્યાર્થીઓની જાનહાનિ થઈ હોય. આ પહેલા પણ એપ્રિલ માસમાં આવી ઘટના નોંધાઇ હતી.
આ વર્ષે એપ્રિલમાં આવી જ એક ઘટનામાં નાઈજરની રાજધાની નિયામીમાં ૨૦ વિદ્યાર્થીઓએ શાળાના દરવાજાની અંદર ફસાઈ જવાથી જીવ ગુમાવ્યો હતો. ૧૩ એપ્રિલે સાંજે ૪ વાગ્યે આગ ફાટી નીકળી ત્યારે સાતથી ૧૩ વર્ષની વયના વિદ્યાર્થીઓ વર્ગખંડમાં હતા.
સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર આગ ટૂંક સમયમાં શાળાના મેદાનમાં ફેલાઈ ગઈ હતી, જેમાં લગભગ ૨,૦૦૦ બાળકો શાળામાં હતા.
એપીના જણાવ્યા મુજબ ઝૂંપડાના વર્ગખંડો જે સ્ટ્રોના બનેલા હતા, જેમાં શાળાના કેટલાક બહારના વર્ગો સમાવવામાં આવતા હતા, તે સંપૂર્ણપણે નાશ પામ્યા હતા અને મુખ્ય શાળાની ઇમારતને ભારે નુકસાન થયું હતું.
ક્લાસરૂમનું ફર્નિચર રાખમાં પથરાયેલું હતું. ફાયરના જવાનોએ આગને કાબુમાં લીધી ત્યાં સુધીમાં આગમાં વર્ગખંડો બળીને ખાખ થઈ ગયા હતા.સ્કૂલના ડાયરેક્ટર ઓમારુ ગોઉન્સાએ આ ઘટનાને આપત્તિજનક ગણાવી હતી. આ સાથે ઓમારુ ગોઉન્સાએ જણાવ્યું હતું કે, નાઈજરમાં અમે ક્યારેય શાળામાં આવી આગ જાેઈ નથી અને તે શાળાના સમય દરમિયાન હતી. જાનહાનિ બદલ અમે ખરેખર દિલગીર છીએ.HS