દિવાળીના દિવસે ૧૦૮ સેવાને ૩,૫૮૧ અને બેસતા વર્ષે ૪,૦૦૦ કોલ મળ્યા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/02/108emergency-scaled.jpg)
પ્રતિકાત્મક
૧૦૮ને બે દિવસમાં રાજ્યભરમાંથી ૭૫૮૧ કોલ મળ્યાઃ સૌથી વધુ કેસ શ્વાસ લેવાની તકલીફના
અમદાવાદ, શહેરમાં દિવાળીના તહેવારમાં ફટાકડા ફોડવાના કારણે દર વર્ષે આગ લાગવાના બનાવો બનતા હોય છે. આ વર્ષે પણ દિવાળીના દિવસે અમદાવાદ સહિત રાજ્યના અનેક સ્થળે આગ લાગવાની ઘટનાઓ બની હતી, જેના પગલે ઈમર્જન્સી સેવાને બે દિવસમાં રાજ્યભરમાંથી ૭૫૮૧ કોલ મળ્યા છે,
જેમાં દિવાળીના દિવસે ૧૦૮ ઈમર્જન્સી સેવાને રાજ્યભરમાંથી ૩૫૮૧ કોલ મળ્યા છે અને બીજા દિવસે એટલે કે બેસતા વર્ષે ૪૦૦૦ કોલ મળ્યા છે, જેમાં શારીરિક હુમલાના કેસ, પડી જવાના કેસ તેમજ ૨૦ કેસ દાઝી જવાના છે, જ્યારે સૌથી વધુ કેસ શ્વાસ લેવામાં તકલીફ પડ્યાના સામે આવ્યા છે, જેમાં ડોક્ટરની મદદ લેવી પડી છે.
અમદાવાદમાં દિવાળીના દિવસે ફટાકડાથી આગ લાગવાની કુલ ૯૪ જેટલી ઘટનાઓ બની હતી, જ્યારે અન્ય પ્રકારની આગા ૩૯ કોલ મળ્યા હતા. ફટાકડાના લીધે ક્ચરામાં આગ લાગવાની ઘટનાઓ વધી હતી. ફાયર બ્રિગેડની ટીમને ઓઢવ, મોટેરા અને પ્રેમ દરવાજામાં આગ લાગવાના સૌથી વધુ કોલ મળ્યા હતા.
જ્યારે આગના બનાવોમાં ૧૬ સ્થળોએ મકાનમાં આગ લાગી હતી. ૫૯ સ્થળોએ ક્ચરામાં આગ લાગવાના કોલ પાયર વિભાગની ટીમને મળ્યા હતા. આ સાથે જ મેજર આગ લાગવાના બનાવ બન્યા હોય તેવા ત્રણ કોલ આવ્યા હતા.
મોટેરા દબાણ ગોડાઉન ખાતે આગ લાગતાં ફાયરની આઠ ગાડીઓ,
ઓઢવના જય કેમિકલ ખાતે ચાર ગાડીઓ તથા પ્રેમ દરવાજામાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગતાં આઠ ગાડીઓ પહોંચી હતી. વર્ષ ૨૦૦૭થી અત્યાર સુધીમાં ૧૦૮ને રાજ્યભરમાંથી અત્યાર સુધીમાં ૧ કરોડ ૨૭ લાખથી વધુ ઈમર્જન્સી કોલ મળ્યા છે, જેમાં ૭૧ લાખથી વધુ લોકોએ સારવાર મેળવી છે. રાજ્યભરનની ૧૦૮ની ટીમ દ્વારા અકસ્માતના કિસ્સામાં ભોગ બનેલા લોકોનાં સગાંઓને તેમનાં સ્વજનોની લાખો રૂપિયાની રોકડ, સોના-ચાંદીના દાગીના સહિતની મોંઘી વસ્તુઓ પરત કરવામાં આવી છે.