ગૃહ રાજ્યમંત્રીએ બિલીયા ખાતે મહાકાળી માતાજી મંદિરે દશાબ્દી યજ્ઞના દર્શન કર્યાં
ર્માહિતી બ્યુરો, પાટણ, ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ સિદ્ધપુર તાલુકાના બિલીયા ખાતે આવેલા મહાકાળી માતાજીના મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી. બિલીયા ખાતે યોજાયેલા દશાબ્દી યજ્ઞ મહોત્સવમાં દર્શનાર્થે આવેલા ગૃહ રાજ્યમંત્રીશ્રીનું ગ્રામજનો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
મહેસાણાના ઉંઝા ખાતે આવેલા ઉમિયા માતાજીના દર્શન બાદ ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી સિદ્ધપુર તાલુકાના બિલીયા ખાતે પધાર્યા હતા. બિલીયા ખાતે મહાકાળી માતાજી મંદિરના દશાબ્દી યજ્ઞ મહોત્સવ પ્રસંગે પધારેલા ગૃહ રાજ્યમંત્રીશ્રીનું ગ્રામજનોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.
ગામના નવા ઉમિયા મંદિરથી કાળકા મંદિર સુધી રોડ શો બાદ મંત્રીશ્રી હર્ષ સંઘવીએ આદ્યશક્તિ અને યજ્ઞના દર્શન કર્યા હતા. ત્યારબાદ માંડવી ચોક ખાતે ગૃહ રાજ્યમંત્રીશ્રીનો સન્માન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે,
આ વિસ્તારના અનેક લોકો સુરતમાં રહે છે જેમણે મને સૌથી નાની વયે ધારાસભ્ય તરીકે સેવા કરવાનો અવસર આપ્યો. આપ સૌ લોકો પર વિશ્વાસ રાખીને ઉત્તર ગુજરાતના આ દિકરાને ગૃહ રાજ્યમંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
આ તબક્કે સંગઠનના ઉપાધ્યક્ષશ્રી મહેન્દ્રભાઈ પટેલ, બિલીયાના વતની અને સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટરશ્રી નાગરભાઈ પટેલ, સામાજીક કાર્યકર્તાશ્રી અશ્વિનભાઈ પટેલ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.