પાલિતાણામાં પાર્કિંગ વગરના શોપિંગ સેન્ટરોથી વકરતી ટ્રાફિક સમસ્યા
પાર્કિંગની જગ્યા પર બાંધકામના નિયમનુૃં ઉલ્લંઘન, અધિકારીઓની પણ મીલીભગતની ચર્ચા
પાલિતાણા, પવિત્ર તીર્થધામ પાલિતાણામાં ટ્રાફિક સમસ્યામાં વધારો કરતા વાહન પાર્કિંગની સુવિધા વગરના કોમ્પ્લેેક્ષોમાં બિલ્ડરો સામે નગરપાલિકા ક્યારે પગલાં લેશે એની નગરજનો રાહ જાેઈ રહ્યા છે.
પાલિતાણા શહેરમાં બાંવધામાં આવેલા મોટાભાગના શોપિંગ સેન્ટરોમાં વાહન પાર્કિંગની સુવિધા જ નથી. બાંધકામના નિયમો મુજબ કોઈપણ શોપિંગ સેન્ટરમાં દુકાન માલિકો અને શોપિંગમાં આવતા ગ્રાહકો માટે પાર્કિંગની સુવીધા ફરજીયાત રાખવી પડે અને કોમ્પ્લેક્ષમાં પાર્કિંગની સુવિધા રાખી હોય તો જ બાંધકામ કરવાનું હોય છે. પરંતુ સવાલ એ છે કે બાંધકામ પ્લાનમાં દર્શાવેલી પાર્કિંગની જગ્યા કોમ્પ્લેક્ષનુૃં બાંધકામ થયા પછી ક્યાં ગાયબ થઈ જાય છે.
બિલ્ડરો બાંધકામના નિયમોને ઘોળીને પી ગયા છે. બાંધકામના પ્લાન મંજુર કરાવતી વખતે પાર્કિંગની જગ્યા બનાવવાનો પણ પ્લાન મંજુર થઈગયા પછી બતાવેલી પાર્કિંગની જગ્યા ઉપર દુકાનો બનાવી અને તે દુકાનો વેચી રોકડી કરી લેવાય છે.
પાર્કિંગની જગ્યા ઉપર નિયમોનું ઉલ્લંઘન કરી બાંધવામાં આવેલી દુકાનો નગરપાલિકાના આકારણી રજીસ્ટ્રરમાં પણ ચડી જતી હોય છે.
કેટલાંક જૂના કોમ્પ્લેક્ષમાં આ રીતે બાંધવામાં આવેલી દુકાનોના કારણે જાહેર રોડ ઉપર વાહનોનો ખડકલો જાેવા મળે છે. પાર્કિંગ સુવિધા વગરના કોમ્પ્લેક્ષોના કારણે વેપારીઓ તથા ગ્રાહકોને તેમના વાહનો રોડ ઉપર પાર્ક કરવા પડતા હોવાથી ટ્રાફિક સમસ્યામાં વધારો થાય છે.