Western Times News

Gujarati News

રાજસ્થાનમાં ટેન્કરની ટક્કરે બસમાં આગથી ૧૨ જણાનાં મોત

જયપુર, રાજસ્થાનના બાડમેર જિલ્લાના ભંડિયાવાસ નજીક બાડમેર-જાેધપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બુધવારે સવારે બસ અને ટેન્કર વચ્ચેની અથડામણમાં ઓછામાં ઓછા ૧૧ લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા જ્યારે એક વ્યક્તિનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. ટક્કર એટલી ગંભીર હતી કે આખી બસ આગની લપેટમાં આવી ગઈ હતી.

પોલીસે જણાવ્યું હતું કે આગ ઓલવવામાં આવ્યાના કલાકો પછી પણ બચાવ ટીમો બસમાં પ્રવેશી શકી ન હતી. પોલીસના જણાવ્યા અનુસાર, દાઝી ગયેલા ૨૨ મુસાફરો બાડમેર જિલ્લાના બલોત્રાની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. અકસ્માતમાં બચી ગયેલા લોકોના જણાવ્યા અનુસાર, બસ સવારે ૯.૫૫ વાગ્યે બાલોત્રાથી શરૂ થઈ હતી અને જાેધપુર જઈ રહી હતી.

રોંગ સાઇડથી આવતા એક ટેન્કરે બસને ટક્કર મારી હતી, જે ગુજરાતના ખાનગી ઓપરેટરની હતી. બસમાં ત્રણ ડઝન જેટલા મુસાફરો સવાર હતા. બસમાં પ્રવાસ કરનારા મુસાફરોનો ચોક્કસ આંકડો હજુ પણ જામી શકાયો નહતો કારણ કે ખાનગી બસ રસ્તામાં ઘણી જગ્યાએ મુસાફરોને લેતી-ઊતારતી હતી,એમ પોલીસે જણાવ્યું હતું.

બાડમેર જિલ્લા કલેક્ટર લોક બંધુ, પોલીસ અધિક્ષક દીપક ભાર્ગવ, પચપાદરાના ધારાસભ્ય મદન પ્રજાપત, પ્રભારી મંત્રી સુખરામ વિશ્નોઈ અને અન્ય લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા. એસપી ભાર્ગવે જણાવ્યું હતું કે અકસ્માતની અસર ગંભીર હતી અને ઘણા મુસાફરો ગુજરાતની ખાનગી ટ્રાવેલ કંપનીની સળગતી બસમાંથી બહાર નીકળી શક્યા ન હતા.

એસપીએ જણાવ્યું હતું કે, એકવાર બચાવ ટુકડીઓ તેમાં પ્રવેશ્યા પછી બસમાંથી વધુ મૃતદેહો મળી આવે તેવી શક્યતા હતી. એસપીએ જણાવ્યું હતું કે સ્થળ પરથી અગિયાર બળેલા મૃતદેહો મળી આવ્યા હતા. ભાર્ગવે જણાવ્યું હતું કે દાઝી ગયેલા ૨૩ મુસાફરોને બાલોત્રાની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા પરંતુ તેમાંથી એકનું સારવાર દરમિયાન મોત થયું હતું.

ગંભીર રીતે દાઝી ગયેલા ઘણા મુસાફરોને જાેધપુર રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં સારી તબીબી સુવિધાઓ છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે ટ્‌વીટ કર્યું કે ઘાયલોની તાત્કાલિક તબીબી સારવાર સુનિશ્ચિત કરવા માટે તેમણે જિલ્લા કલેક્ટર અને એસપી સાથે વાત કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના બાડમેર-જાેધપુર હાઈવે પર અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના નજીકના સંબંધીઓ માટે પીએમએનઆરએફ તરફથી પ્રત્યેકને ૨ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.