આમ આદમી પાર્ટીએ હવે યુનિવર્સિટીઓની ચૂંટણીમાં પણ ઝંપલાવવાનો ર્નિણય લીધો
રાજકોટ, ગુજરાતના રાજકારણમાં ત્રીજા પક્ષ તરીકે ઉભરીને આવેલા આમ આદમી પાર્ટીએ હવે યુનિવર્સિટીઓની ચૂંટણીમાં પણ ઝંપલાવવાનો ર્નિણય લીધો છે. આમ આદમી પાર્ટી હવે વિદ્યાર્થી પાંખની ચૂંટણીમાં પણ ઝંપલાવશે. નોંધનીય છે કે આમ આદમી પાર્ટીને સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં સારી સફળતા મળી હતી.
આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ આજે જાહેરાત કરતા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીમાં હવે આમ આદમી પાર્ટી પણ ઝંપલાવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીમાં અત્યાર સુધીમાં ભાજપ-કાૅંગ્રેસના સભ્યો જ લડતા હતા. પરંતુ હવે આમ આદમી પાર્ટી પણ આ જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ચૂંટણી લડશે.
ઈસુદાન ગઢવીએ ભાજપ કાૅંગ્રેસ પર આરોપ લગાવતા જણાવ્યું કે ભાજપ અને કાૅંગ્રેસના સભ્યો માત્ર રાજકારણ કરવા જ આવે છે. ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે આમ આદમી પાર્ટી પણ સેનેટ લડશે. આ માટે સેનેટ ચૂંટણીના ઈંચાર્જ તરીકે રાજભા ઝાલાની નિયુક્તિ કરવામાં આવી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટ ચૂંટણીમાં અનેક લોકો ઓનલાઈન સાથે ઓફલાઈન ચૂંટણી થાય તે માટેના પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે ભ્રષ્ટાચાર વગર ચૂંટણી થાય તેવા આમ આદમી પ્રયત્નો કરશે તેમ ઈસુદાને જણાવ્યુ હતું.HS