ગ્રામ પરિષદની ચૂંટણી લોહિયાળ બની, ૭નાં મોત
ઢાકા, બાંગ્લાદેશમાં વિભિન્ન સ્થળોએ ચૂંટણી દરમિયાન થયેલી હિંસામાં ઓછામાં ઓછા ૭ લોકોના મોત થયા છે. મુખ્ય ચૂંટણી અધિકારી કેએમ નૂરૂલ હુદાએ ગુરૂવારે મતદાન પહેલા ચૂંટણી હિંસાના વિરોધમાં ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે, કોઈ પણ અપ્રિય ઘટનાની સ્થિતિનો સામનો કરવા માટે સુરક્ષાના ઉપાયો કરવામાં આવી રહ્યા છે.
બાંગ્લાદેશમાં ચૂંટણી સંબંધી હિંસક ઘટનાઓમાં આ મહિને ઓછામાં ઓછા ૯ લોકો માર્યા ગયા છે અને સેંકડો લોકો ઘાયલ થયા છે. ઢાકા સ્થિત માનવાધિકાર સમૂહ આઈન-ઓ-સાલિશ કેન્દ્રના અહેવાલ પ્રમાણે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ચૂંટણી સંબંધી હિંસામાં ૮૫ લોકો માર્યા ગયા છે અને ૬૦,૦૦૦ કરતા વધારે લોકો ઘાયલ થયા છે.
ચૂંટણીમાં ૧ કરોડ ૫૦ લાખ કરતા પણ વધારે મતદારો ૮૩૫ પરિષદોમાં પ્રતિનિધિની પસંદગી કરવા માટે પાત્ર હતા. કુલ ૪,૫૭૧ પરિષદો માટે ચૂંટણી થઈ રહી છે અને તે સંઘ પરિષદ તરીકે ઓળખાય છે. તે સ્થાનિક સ્તરે સામુદાયિક વિકાસ અને લોક કલ્યાણ સેવાઓ માટે જવાબદાર છે. તે માટે વિવિધ તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. જૂનમાં પહેલા તબક્કામાં ૨૦૪ પરિષદો માટે મતદાન થયું હતું જેમાં સત્તાધારી દળના ૧૪૮ ઉમેદવારો જીત્યા હતા અને બાકી પર અપક્ષ ઉમેદવારો વિજયી બન્યા હતા.
નિષ્ણાંતોના કહેવા પ્રમાણે ગુરૂવારની ચૂંટણી વડાપ્રધાન શેખ હસીનાની સત્તારૂઢ અવામી લીગ પાર્ટી માટે ૨૦૨૩ના વર્ષ માટે આગામી સામાન્ય ચૂંટણી પહેલા પોતાની સ્થિતિ મજબૂત કરવા માટેનો એક અવસર છે. તેમની પાર્ટીએ ૨૦૧૪ અને ૨૦૧૮ના વર્ષમાં પાછલી ૨ સામાન્ય ચૂંટણીઓમાં હેરાફેરીના આરોપો છતાં ભારે વિજય મેળવ્યો હતો.SSS