પેટલાદની પેટા ચૂંટણીમાં ઉત્તેજનાઃ હજી માત્ર બે ફોર્મ ભરાયા, આજે અંતિમ દિવસ

(પ્રતિનિધિ)પેટલાદ, પેટલાદ નગરપાલિકાના વોર્ડ નં ૧ની એક બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ રહી છે. ઉમેદવારી પત્રો રજૂ કરવાના સમય દરમ્યાન હજી માત્ર બે જ ફોર્મ ભરાયા છે. આ બંન્ને ફોર્મ ભાજપ તરફથી જ રજૂ કરવામાં આવ્યા છે.
આજરોજ ઉમેદવારી કરવાના અંતિમ દિવસ સુધી હજી આપ કે કોંગ્રેસ પોતાના ઉમેદવાર નક્કી કરી શક્યા નહિં હોવાની વાત ટોક ઓફ ધ ટાઉન છે. જાે કે આ પેટા ચૂંટણીને લઈ આ વોર્ડમાઉ ભારે ઉત્તેજના જાેવા મળી રહી છે.
પ્રાપ્ત માહિતી મુજબ પેટલાદ નગરપાલિકાના વોર્ડ નં ૧ની સામાન્ય બેઠક ઉપર વિજયી થયેલ અને પાલિકાના ઉપપ્રમુખ ગોવિંદભાઈ તળપદાનું અવસાન થતાં આ બેઠક ખાલી પડી હતી. જેની પેટા ચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ થતાં જ રાજકીય પક્ષોમાં ઉમેદવારોની શોધખોળ શરૂ થઈ ગઈ હતી.
આ બેઠક માટે ભાજપ દ્વારા નરેશકુમાર રમેશભાઈ તળપદાને મેન્ડેટ આપવામાં આવ્યો છે. જેઓએ ગતરોજ પ્રાંત અધિકારી સમક્ષ ઉમેદવારી પત્ર રજૂ કરેલ છે. જયારે અન્ય એક ફોર્મ પ્રશાંત બકુલભાઈ વાલ્મિક દ્વારા ભરવામાં આવ્યું છે. આજે ફોર્મ રજૂ કરવાના બીજા દિવસ સુધીમાં અન્ય કોઈ ઉમેદવારી પત્રો રજૂ થયેલ નથી.
પરંતુ અત્યાર સુધીમાં મિનેશ કનુભાઈ પટેલ, જયેશભાઈ બાબુભાઈ તળપદા, જીગ્નેશ નવનીતભાઈ જાદવ, જુનેદબેગ, મુખ્ત્યારબેગ મિરઝા, વિજયભાઈ સોમાભાઈ તળપદા, રિયાઝખાન અકબરખાન પઠાણ ફોર્મ લઈ ગયેલ હોવાનું જાણવા મળે છે.
આ પૈકી આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવારી ચોક્કસપણે નોંધાવાની શક્યતા જાેવાઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત સામાન્ય ચૂંટણીમાં આપ દ્વારા જુનેદબેગ ચૂંટણી મેદાનમાં હતા, પરંતુ તેઓને હાર જાેવી પડી હતી. આ વોર્ડમાં તળપદા સમાજના સૌથી વધુ મતદારો છે.
પરંતુ આ સમાજના મતદારો ભાજપ, કોંગ્રેસ અને આપ વહેંચાયેલા હોવાનું જાણવા મળે છે. તેમાંય પેટા ચૂંટણી હોવાથી મતદારોને માત્ર એક જ મત આપવાનો રહેશે. જેથી ખરો જંગ ભાજપ અને આપ વચ્ચે જ રહેવાની શક્યતા છે. બીજી તરફ આ વોર્ડમાં મુસ્લિમ વોટ બેંક કોઈ ખાસ પ્રભાવ પાડી શક્યા નથી.
ગત સામાન્ય ચૂંટણીમાં પણ ચાર બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષના કુલ ૧૩ ઉમેદવારો મેદાનમાં હતાં. જેમાં ૯ હિન્દુ અને ૪ મુસ્લિમ ઉમેદવારોનો સમાવેશ થતો હતો. જેમાંથી ચારેય બેઠકો ઉપર હિન્દુ ઉમેદવારો જીત્યા હતા. અત્રે નોંધપાત્ર બાબત એ છે કે આ વોર્ડમાં કોંગ્રેસનો સદંતર સફાયો થઈ ગયો હતો.
હવે જાેવાનું એ રહેશે કે આવતીકાલે ઉમેદવારી કરવાના અંતિમ દિવસે કોંગ્રેસ અને આપ દ્વારા કોને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવે છે ? અત્રે ઉલ્લેખનીય છે કે તળપદા સમાજના મતદારોથી પ્રભાવિત આ વોર્ડમાં મુખ્યત્વે મોટો મહોલ્લો અને વિષ્ણુપુરાના મતદારો છે.
આ બંન્ને વિસ્તારોમાંથી પોતાના ઉમેદવારની માંગણી ભાજપ સમક્ષ સ્થાનિક લોકોએ કરી હોવાનો મુદ્દો ચર્ચાસ્પદ બનવા પામ્યો છે. પરંતુ મોટા મહોલ્લાના મતદારો સૌથી વધુ હોવા છતાં ભાજપ દ્વારા ઉમેદવાર વિષ્ણુપુરાનો પસંદ કરાતા કેટલાય મતદારોમાં છૂપો ગણગણાટ અને અસંતોષ ટોક ઓફ ધ ટાઉન બની રહ્યો છે.