Western Times News

Gujarati News

ગુજરાતનો દરિયા કિનારો ડ્રગ્સ માફીયા,ત્રાસવાદીઓ અને દાણચોરો માટે સ્વર્ગ સમાન બની ગયો છે: મોઢવાડિયા

ગાંધીનગર, ભારતમાં સૌથી લાંબો ગુજરાતનો દરિયા કિનારો ડ્રગ્સ માફિયાઓ સહિત અસામાજિક પ્રવૃત્તિઓનો હબ બની રહ્યો છે. ત્યારે આ અંગે માહિતી આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે દરિયા કિનારાની સુરક્ષાની ચિંતા રાખીને કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકારે ગુજરાતના ૧૬૦૦ કિ.મી. લાંબા દરિયા કિનારાની સુરક્ષા માટે ૧૨ મરીન પોલીસ સ્ટેશન, ૪૫ મરીન પોલીસ ચોકી અને ૩૦ સ્પીડ બોટ વર્ષ ૨૦૦૯ માં મંજુર કરી હતી.

દરિયાઈ સુરક્ષા અસરકાર રીતે થઈ શકે તે માટે આ ૩૦ સ્પીડમાંથી ૫૦૦ હો.પા.ના બે એન્જીનવાળી ૨૦ બોટ છે અને ૨૭૫ હો.પા. ના એક એન્જીનવાળી ૧૦ બોટ છે.

ભારત સરકારે સમગ્ર દેશમાં દરિયાઈ સુરક્ષા માટે ૧૦૦ સ્પીડ બોટની ફાળવણી કરી હતી. જેમાંથી ૩૦ સ્પીડ માત્ર ગુજરાતને ફાળવવામાં આવી હતી. પરંતુ રાજ્યની ભાજપ સરકાર દ્વારા આ ૩૦ સ્પીડ બોટને ઓપરેટ કરવા માટે ટેકનીકલ કે મરીન લાયકાત ધરાવતા એક પણ સ્ટાફ મેમ્બરની કાયમી ધોરણે નિમણૂંક કરવામાં આવી નથી.

અર્જુનભાઈ મોઢવાડિયાએ ઉમેર્યુ હતું કે, વર્ષ ૨૦૦૯ થી આજ દિવસ સુધી ૩૦ સ્પીડ બોટ માટે ૧૨૦ સ્ટાફ મેમ્બરની જરૂરીયાત સામે માત્ર ૬૫ સભ્યોનો કરાર આધારીત સ્ટાફ ૧૧ માસ માટે નિમાય છે અને ૧૧ મહિના પછી કરાર રીન્યુ કરવામાં આવે છે.

હમણાં ગુજરાતના દરિયા કિનારા ઉપર રૂપિયા ૩૫૦ કરોડની કિમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, તે દરમિયાન ૨૭ દિવસ સુધી આ ૬૫ સભ્યોના સ્ટાફના કરાર વધારાના ત્રણ મહિના માટે રીન્યુ કરવામાં આવેલ ન હતો. એટલે કે આપણો દરિયાકાંઠો સુરક્ષા વિહોણો હતો.

અર્જુનભાઈ મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે આટલા વર્ષો પછી બોટના માસ્ટર, સારંગ, એન્જીન ડ્રાઈવર, ઓઈલ મેન સહિતના સ્ટાફની કાયમી ભરતી કરવાને બદલે મરીન સુરક્ષા માટેની ૩૦ સ્પીડ બોટના સંચાલન ઓવરેશનનો કોન્ટ્રેક્ટ (મેન પાવર સપ્લાય નો કોન્ટ્રાક્ટ ખાનગી કંપનીને આપવાની કાર્યવાહી અંતિમ તબક્કામાં છે.

આપણી દરિયાની સુરક્ષા માટે મળેલ ૩૦ સ્પીટ બોટ હવે ખાનગી કંપનીના હાથમાં જતા હવે આપણી દરિયાઈ સુરક્ષા ખાનગી ઓપરેટરોના હાથમાં જશે. જ્યારે અન્ય રાજ્યોમાં ટેકનીકલ સ્ટાફની કાયમી ધોરણે ભરતી કરવામાં આવેલી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.