Western Times News

Gujarati News

બહુમાળી મકાનનાં ૧૦મા માળેથી પડતાં બાળકીનું મોત

મુંબઈ, શહેરના બોરીવલી વિસ્તારમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે. અહીં આવેલી એક હાઈરાઈઝ બિલ્ડીંગના ૧૦મા માળેથી ૧૧ વર્ષની બાળકી નીચે પટકાઈ હતી. જે બાદ બાળકીનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યુ હતુ. બાળકી ૧૦મા માળે આવેલા ઘરની બાલ્કનીમાં આર્ટ વર્ક કરી રહી હતી ત્યારે આ દુઃખદ ઘટના સર્જાઈ હતી. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા મુજબ, ૧૧ વર્ષની હેતવી મહેતા ૧૦ માળે આવેલા મકાનની બાલ્કનીમાં આર્ટ વર્ક કરવામાં વ્યસ્ત હતી. એ સમયે તેણે અજાણતાથી બાલ્કનીની જાળીનો એક ભાગ કાપી નાખ્યોહતો. ત્યારબાદ તે નીચે પટકાઈ હશે. જાે કે, બાલ્કનીમાં કેમેરા ન હોવાથી તે કઈ રીતે પડી એ હજુ કહી શકાય એમ નથી. બાલ્કનીના ભાગે ગ્રીલ પણ નહોતી.

બોરીવલી લિન્ક રોડ પર AHCL હોમ્સ નામની હાઈરાઈઝ બિલ્ડીંગ આવેલી છે. અહીં હેતવી તેની માતા અને દાદા-દાદી સાથે રહેતી હતી. શનિવારની સાંજના ૪.૪૦ વાગ્યાની આસપાસની આ ઘટના છે. બિલ્ડીંગના પરિસમાં આવેલી ઓફિસમાં કામ કરતા અને નજરે જાેનારા લોકોનું કહેવું છે કે, પસાર થતા રાહદારીઓ બિલ્ડીંગ બહારની ફૂટપાથ એક જાેરદાર અવાજ સાંભળ્યો.

આ અવાજ શેનો હતો અને શું થયુ હતુ એનો પહેલાં ખ્યાલ આવ્યો નહીં. પછી ઘટના સ્થળે જઈને જાેયુ તો એક બાળકીનો મૃતદેહ પડ્યો હતો. ત્યારબાદ આ ઘટનાની જાણ સોસાયટીના મેનેજમેન્ટને કરવામાં આવી હતી. જાેતા એવું લાગી રહ્યું હતુ કે, જમીન પર નીચે પટકાઈ એ પહેલાં તે સાઈન બોર્ડ સાથે ટકરાઈ હશે.

પછી કોઈએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને બાળકીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી. તો પોલીસની એક ટીમે ઘટના સ્થળે રહીને બાળકીની ઓળખ માટે લોકોની પૂછપરછ હાથ ધરી હતી. પોલીસના જણાવ્યા મુજબ, બાળકી બિલ્ડીંગની બહાર ફૂટપાથ પર પટકાઈ હતી અને નજીકમાં આવેલી બિલ્ડીંગના ગાર્ડ તેને ઓળખી શક્યા નહીં. એ પછી પોલીસે ઘરે ઘરે જઈને બાળકીની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી હતી.

તપાસ કરતા કરતા પોલીસ આ બિલ્ડીંગના ૧૦મા માળે પહોંચી હતી. બાળકીની દાદીને આ વાતની જરાય જાણ નહોતી. જ્યારે તેઓને બાળકી વિશે પૂછવામાં આવ્યું તો તેઓએ કહ્યું કે, તે અંદર રમી રહી છે. એટલે પોલીસે બાળકીનો ફોટો બતાવ્યો. ફોટો જાેઈને તેના દાદી ગભરાઈ ગયા અને તેમણે બાળકીની ઓળખ કરી હતી. જ્યારે આ ઘટના બની ત્યારે બાળકીની માતા ઘરે હાજર નહોતી.

આ ઘટના બાદ બાળકીના પરિવારમાં દુઃખનો માહોલ સર્જાયો હતો. પોલસે આ મામલે નિવેદન લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. બોરીવલી પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સપેક્ટર એસ. કાલેકરે જણાવ્યું કે, ભૂલથી બાળકી બાલ્કનીમાંથી નીચે પટકાઈ હતી અને તેનું કરૂણ મોત નીપજ્યુ હતું. હેતવી ધોરણ ૬માં અભ્યાસ કરતી હતી અને માતા-પિતાની એકની એક દીકરી હતી. આ ઘટના બાદ પોલીસે સોસાયટીમાં આવેલા સીસીટીવી ફૂટેજની પણ ચકાસણી હાથ ધરી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.