વડોદરા ગેંગરેપમાં બે શકમંદોની અટકાયત થઈ
વડોદરા, શહેરના વેક્સિન ઈન્સ્ટિટ્યૂટ ગ્રાઉન્ડમાં ગેંગરેપ બાદ વલસાડની ટ્રેનમાં આપધાત કરનારી ૧૮ વર્ષીય વિદ્યાર્થિનીના કેસમાં પોલીસની ટીમ સતત તપાસ કરી રહી છે. આ કેસની તપાસમાં પોલીસની ૩૫ જેટલી ટીમ કામે લાગી છે. ત્યારે વડોદરા ક્રાઈમ બ્રાંચે બે શકમંદોની અટકાયત કરી છે.
પોલીસ આ બંને શકમંદોની પૂછપરછ કરી રહી છે. ત્યારે ખૂબ જ જલ્દી આ કેસ પરથી પડદો ઉંચકાય એવી શક્યતા છે. મહત્વનું છે કે, પીડિતાના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ એવો ખુલાસો થયો છે કે તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. રવિવારે મોડી રાતે વડોદરા શહેર પોલીસ કમિશનર ડૉ.શમશેર સિંહે વેક્સિન ઈન્સ્ટિટ્યૂટ ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી અને આ કેસની વધુ માહિતી મેળવી હતી. તો અમદાવાદ ક્રાઈમ બ્રાંચે પણ પીડિત યુવતી જ્યાં રહેતી એ ફ્લેટમાં તપાસ કરી છે.
પોલીસ આ કેસમાં કોઈ પણ જાતની કચાશ રાખવા માગતી નથી. પોલીસની વિવિધ ટીમ આ કેસમાં હાલ જાેતરાઈ છે. પોલીસની ટીમોએ પીડિત યુવતી જ્યાં નોકરી કરતી હતી એ ઓએસિસ સંસ્થા, પીડિતાનું ઘર, ઘટના સ્થળ અને તેની આસપાસમાં આવેલી તમામ દુકાનો વગેરે જઈને પૂછપરછ કરી રહી છે. પોલીસ શંકાસ્પદ તમામ લોકોની પૂછપરછ કરી રહી છે.
એટલું જ નહીં પોલીસની ટીમે આ વિસ્તારમાં આવેલા ૧૧૩ જેટલા સીસીટીવી ફૂટેજ પણ ચકાસ્યા છે. આ કેસમાં પોલીસે કુલ ૫૦૦થી પણ વધુ સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે એવા પણ રિપોર્ટ સામે આવ્યા છે કે, એક સીસીટીવી ફૂટેજમાં બે આરોપીઓ ભાગતા નજરે પડ્યા હતા.
જે બાદ પોલીસે બે શકમંદોની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે. ત્યારે એવું લાગી રહ્યું છે કે ટૂંક જ સમયમાં આ કેસ પરથી પડદો ઊંચકાઈ શકે છે. નવસારીની આ વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરનારા બે આરોપીઓને ઝડપી પાડવા રાજ્યની પાંચ એજન્સી દિવસ રાત એક કરી રહી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ, રેલવે પોલીસ અને એફએસએલ ટીમે પણ રવિવારે વેક્સિન ઈન્સ્ટિટ્યૂટ ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી. ઘટના સ્થળેથી ફોરેન્સિક પુરવા પણ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. જાે કે, પીડિતાની સાયકલની પોલીસને હજુ સુધી ભાળ મળી નથી.SSS