Western Times News

Gujarati News

આવક વધારીને તથા જાવક ઘટાડીને બચત કરીને જીવન ઉજાળો

દરેક વ્યક્તિની પ્રકૃતિ વિવિધ પ્રકારની હોય છે. કોઈ માનવી કંજૂસ હોઇ શકે તો કોઇ માનવી ઉડાઉ હોઇ શકે તો કોઇ વ્યક્તિ સમજુ પણ હોય છે જે જરૂરિયાત પ્રમાણે સમજી વિચારીને ખર્ચો કરતાં હોય છે. એક જ લોહીનાં સંબંધથી બનેલા ભાઇ બેનોના સ્વભાવમાં પણ વિવિધતા હોવાથી એક જ પરિવારનાં કોઇ સભ્યો ખર્ચાળ સ્વભાવનો હોય તો કોઇ ચિંગુસ હોઇ શકે છે. આવા સ્વભાવવાળી વ્યક્તિઓ સમાજમાં પોતે જ પોતાની છાપ ખરડાવતાં હોય છે.

ઉડાઉ માનવીનાં ખિસ્સા હર હમેંશ ખાલીખમ જ રહેતા હોય છે તથા ઘરમાં નગદ નહિવત રહેતા કે બેંકમાં પોતાના ખાતામાં પૈસા નહિવત રહેવાથી અણધાર્યા ખરચો કે માંદગી આવતાં તે ખર્ચાને પહોંચી વળવા અસમર્થ રહેતા હોય છે અને હરહમેંશ બીજા પાસે હાથ લંબાવવો પડતો હોય છે.

લોકોએ પોતાનાં જીવન જરૂરિયાત પ્રમાણે ખરચો તો કરવો પડતો હોય છે પણ આડેધડ ખરચો કરતાં પોતાની આવક કરતાં જ્યારે જાવકનું પલ્લું ભારે થઇ જતાં તેને વ્યાજે પૈસા લેવા પડતાં હોય છે અને તે વ્યક્તિ વ્યાજરૂપી કાદવ-કીચડમાં વધારે ને વધારે ખુંપતો જતો હોય છે અને છેવટે તેને કોઇક વખત આપઘાત કરવાનો વારો આવે કે પોતાને સમાજમાં નાદારી નોધાવવાનો વિચાર કરવો પડે છે.

સામાજિક વ્યવહાર, ભણતર, માંદગી, જીવન જરૂરિયાત ચીજાે, કપડાં, મકાન તથા રોટીનો ખરચો થતો જ રહેવાનો પરંતુ તે બાદ કરતાં બીજા વિવિધ ખરચા જેવાં કે ધર્માદા, રમત ગમત, ઈત્તર પ્રવૃતિ, મનોરંજન, પર્યટનમાં ફરવા જવાનો ખરચો સમજી વિચારીને કરવાથી તે વ્યક્તિ જાવક પર અંકુશ રાખી શકે છે

અલબત્ત આવક વધારે હોય તો ખરચો કરવામાં તકલીફ પડતી નથી પરંતુ આર્થિક સમસ્યામાં બચત બહું જ મહત્વનો ભાગ ભજવે છે. પથારીની બહાર પગ ન લંબાવાય તેવી જ રીતે આવક કરતાં જાવક વધારવી ન જાેઈએ. આવકની ગણતરી મનમાં રાખીને જ ખરચો કરવાની જે મઝા આવે છે તે અનેરો હોય છે. ખોટો ખરચો કરતાં પોતાના પરિવારના સંતાનોમાં પણ તે જ સંસ્કાર સિંચાતા તે બાળકો ભવિષ્યમાં માનસિક તાણમાં સપડાય છે કે આર્થિક સમસ્યામાં ઝડપાય છે.

આજકાલ બેંકો વિવિધ લોનો આપીને તથા સમજાવી પટાવીને કે ક્રેડીટ કાર્ડની લહાણી કરીને લોકોને લાલચવાળાં પ્રલોભન બતાવીને આડેધડ ખરચો વધારવા પ્રોત્સાહન આપે છે જેથી બેંકના ગ્રાહકો લલચાઇ જતાં પોતાનો ખરચો આડેધડ કરવા પ્રેરાય છે. તાત્કાલિક પૈસા આપવાના નથી પરંતુ મહિના કે દોઢ મહિના પછી પૈસા આપવાના છે

જેથી હાલમાં વસ્તુ ખરીદવામાં કોઇ વાંધો નથી આવવાનો પરંતુ લોકો સમજતા નથી કે પૈસા તો હમણાં નહિ પરંતુ અમુક દિવસે તો આપવાના જ છે. બેંકની લોનો લઇને ગાડી, ફ્રિજ, ટી.વી. કે કોઇ પણ લકઝરી આઇટમ લેવામાં સંકોચ પામતા નથી અને પછી હપ્તા ભરતાં ભરતાં આંખમાં પાણી આવી જાય છે. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવો કે બેંકની લોન પણ જરૂરિયાત પ્રમાણે જ લેવી જાેઇએ.

એક વખત વ્યાજનું ચક્કર ચાલું થતા કદી અટકતું નથી તે ચગડોળની ગતિ વધતા જેમ ચાલે છે તેમ વ્યાજનું ચક્કર પણ ચાલતું જ રહેશે જેથી ભવિષ્યનો વિચાર કરીને જ ખરચો કરવો જાેઈએ.

કંજૂસપણું માનવીની છાપ બગાડે છે. પૈસો હોવા છતા પૈસો ખરચતાં હજારવાર વિચાર કરે અને પછી જ ખર્ચો કરતાં હોય છે તથા પોતે લક્ષ્મી ભોગવી શકતો નથી કે પોતાના પરિવારનાં સંતાનો પણ ભોગવી શકતાં નથી. જરૂર છે ત્યાં પૈસો ખરચવો જ જાેઈએ. અલબત્ત ધરમ ધ્યાન, સારી રહેણી-કરણી કે માનસિક કે શારીરિક સુખ ખાતર પૈસો ખરચતા પોતે પોતાનું જીવન જીવી જાણે છે.

આજની કાતિલ મોંઘવારી જમાનામાં લોકોએ સમજી વિચારીને ભવિષ્યનો પણ ખ્યાલ રાખીને વર્તમાન પરિસ્થિતિમાંથી પસાર થતાં શીખવું જાેઈએ.

પૈસો હોય અને વાપરવો જાેઈએ પરંતુ આડેધડ વાપરતા પોતાનું ભવિષ્ય અંધકારમયી બની શકે છે તથા છોકરાઓના સંસ્કાર પર અવળી અસર થાય છે. આવક કરતાં જાવક ઓછી રાખવાથી બચત થતાં ભવિષ્યનાં આવનારા ધાર્યા કે અણધાર્યા ખરચાનો સામનો કરી શકાય છે.

વર્તમાનમાં કરેલી બચત ભવિષ્યમાં ફાયદાકારક બની રહે છે. બચત ફીક્સ ડિપોઝીટ, સેવીંગ્સ ખાતામાં, જર-જમીન કે ઝવેરાત, શેરોમાં દ્વારા કરી શકાય છે જેથી ભવિષ્યમાં તાત્કાલિક જરૂર ઉભી થતાં રોકાણ કરેલ પૈસા પોતાને પરત મળી શકે છે અને ભવિષ્યમાં ચિંતા ન રહેતાં માનસિક શાંતિ તથા શારિરિક તંદુરસ્તી સચવાઇ રહે છે અને પોતાની હયાતી બાદ પણ પોતાના પરિવારનાં સભ્યોને તકલીફ પડતી નથીં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.