વિશ્વના સૌથી ઉંચી ઓલાદના પશુઓ આ મેળામાં એકત્ર થાય છે
હોડકોમાં બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા ૧૩માં બન્ની પશુ પ્રદર્શન હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું
કચ્છ, કચ્છ જિલ્લાના બન્ની વિસ્તારના હોડકો ગામમાં બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા ૧૩માં બન્ની પશુ પ્રદર્શન હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હરીફાઈમાં તથા પશુ પ્રદર્શનમાં પશુ વેંચાણ, પશુ તંદુરસ્તી હરીફાઈ, કચ્છી ઘોડા દોડ, દૂધ દોહન હરીફાઈ, પ્રદર્શન ઝાંખી સ્ટોલોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ભેંસ, પાડા , ગાય, આંખલા વગેરે પશુઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભુજ તાલુકાના બન્ની (હોડકો) ખાતે દ્વિદિવસીય પશુમેળાનું ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્યએ ઉદ્ઘાટન કર્યું હતું.
કચ્છના રણ પ્રદેશમાં ઘાસિયા પ્રદેશ તરીકે ઓળખાતા બન્ની વિસ્તારમાં દર વર્ષે સંસ્થા તથા સરકારના સંયુકત ઉપક્રમે ભુજ તાલુકાના હોડકો(બન્ની) ગામે યોજાતા પશુમેળાએ સારો એવો આકર્ષણ જમાવ્યું છે. બન્ની ગ્રાસ લેન્ડના ઘાસિયા મેદાનોમાં વસેલા ગામ હોડકો ખાતે બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા દર વર્ષે પશુ પ્રદર્શન અને જુદી જુદી હરીફાઈઓનું આયોજન કરવામાં આવતું હોય છે.
આ પશુ મેળામાં બન્ની વિસ્તારના ખાવડા, હોડકા, ધોરડો, ઢોરી, સુમરાસર, નાના દીનાળા, મોટા દીનાળા વગેરે ગામોમાંથી માલધારીઓ પોતપોતાના પશુઓ આ હરીફાઈમાં લઈને આવ્યા હતા. સ્થાનિકસ્તરે પશુ સંવર્ધનને ટકાવવા તથા પશુ બજાર વ્યવસ્થા માટે રાજ્ય અને દેશસ્તરે વિશષ્ટિ વ્યવસ્થા ઊભી કરવા માટે અસ્તિત્વમાં આવેલ બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા યોજાતા આ પશુ મેળામાં માત્ર કચ્છ જ નહીં
પરંતુ ગુજરાતના અન્ય પ્રાંતમાંથી ભેંસ, કાંકરેજ ગાય, આખા, બળદ, સિંધી ઘોડા, વગેરે પશુઓની લે-વેચની બજાર ઉભી કરાય છે. આજ રોજ આ મેળાના ઉદ્ઘાટન બાદ સૌ પ્રથમ પશુ વેંચાણ કરવામાં આવ્યું હતું.હોડકો ખાતેના આ દ્વિદિવસીય પશુમેળામાં ભેંસ તંદુરસ્તી, ભેંસ દૂધદોહન, પાડા તંદુરસ્તી, ગાય તંદુરસ્તી, આખા તંદુરસ્તી,માણસ દોડ અને બખ્ખ મલાખડોનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરેક હરિફાઇના વિજેતાઓને રૂપિયા ૨૦૦૦થી રૂપિયા ૧૦,૦૦૦ સુધીના ઇનામો આપવામાં આવશે.
પશુ મેળામાં આવેલા પશુપાલકે જણાવ્યું હતું કે,અહીંયા અમે કાંકરેજ નસલનો આંખલો તંદુરસ્તી હરીફાઈ માટે લઈ આવ્યા છીએ. આંખલાના તંદુરસ્તી, રૂપ, શિંગડા, વજન પ્રમાણે મૂલ્યાંકન કરવામાં આવે છે.આ આંખલો ૨.૨૫ લાખ રૂપિયા માં લીધો હતો અને હવે ૩ વર્ષ સુધી અમે અમારા પાસે જ રાખીશું.
પશુ મેળામાં આવેલા પશુપાલકે જણાવ્યું હતું કે, ભેંસ દૂધ દોહન હરીફાઈ માટે મુકેલી છે. ભેંસ દરરોજ ૨૦ લીટર દૂધ આપે છે ઘણા વર્ષોથી આ ભેંસ અમારા પાસે છે અને બે વખત તરણેતરના મેળામાં પણ રૂપ સ્પર્ધામાં વિજેતા બની છે. આ ભેંસ બન્ની નસલની આ ભેંસ છે અને ગાભણી થયા પછી ૮-૯ મહિના દૂધ આપે છે
અને આ ભેંસની કિંમત અંદાજિત ૫ થી ૬ લાખ રૂપિયાની હોય છે. સરકાર અતિ સંવેદનશીલ છે અને મૂંગા પશુઓની સેવા કરવા માટે તત્પર છેઃ વિધાનસભા અધ્યક્ષ પશુ મેળા દરમિયાન યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, પશુઓના આરોગ્ય માટે પશુઓના સારા ઉછેર માટે તથા સરકારી યોજનાઓનું અમલીકરણ માલધારીઓ સુધી થાય
તથા માલધારીઓને સરકારના લાભ મળે તેવા બધા વિષયો સાથે આ મંડળી ખૂબ સારું કાર્ય કરે છે.ગુજરાત સરકાર દ્વારા પણ આ પશુ મેળા યોજવા માટે પૂરતું સહકાર અને પ્રોત્સાહન આપવામાં આવતું હોય છે. સરકાર અતિ સંવેદનશીલ છે અને મૂંગા પશુઓની સેવા કરવા માટે તત્પર છે.
આ ઉપરાંત નીમાબેનએ જણાવ્યું હતું કે પશુપાલકોને રોજગારી મળે અને તેમના દૂધના સારા ભાવ મળે તેવા પ્રયત્નો સતત કરવામાં આવી રહ્યા છે.પશુ ડોક્ટરોની અછત છે ત્યારે હવે કચ્છમાં વેટરનરી કોલેજ બને અને અહીંયા જ ડોકટરો તૈયાર થાય અને આ દિશામાં પણ કામગીરી ચાલુ કરવામાં આવી છે.
બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠનના પ્રમુખ સાલેમામદ હાલેપોત્રાએ જણાવ્યું હતું કે,માલધારીઓમાં જાગૃતિ આવે તે માટે આવા પશુ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને સારી નસલના પશુઓનું ઉછેર થાય તે મુખ્ય ઉદ્દેશ્ય છે અને ૫૦૦થી ૬૦૦ જેટલા પશુઓ માલધારીઓ લઈને આવ્યા છે અને જુદી જુદી હરીફાઈઓનું આયોજન કરવામાં આવ્યું છે.