કોફી શોપમાં છાત્ર-છાત્રા બેભાન હાલતમાં મળ્યાઃ વિદ્યાર્થિનીનું મોત
સુરત, વેસુમાં આવેલી એક કોફી શોપમાં કોલેજના વિદ્યાર્થી અને વિદ્યાર્થિની બેભાન હાલતમાં મળી આવ્યા હતા. જે બાદ તેઓને સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં વિદ્યાર્થીનીને મૃત જાહેર કરવામાં આવી હતી. જાે કે, તેની સાથેનો યુવક સારવાર દરમિયાન જ ત્યાંથી ફરાર થઇ ગયો હતો.
આ મૃતક યુવતી બીએડની વિદ્યાર્થિની હોવાનું સામે આવ્યુ છે. યુવતીના શંકાસ્પદ મોત મામલે પરિવારે હોબાળો મચાવ્યો છે અને યુવક પર ગંભીર આરોપ લગાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ મૃતક યુવતીના પરિવારે વિધર્મી યુવક પર આક્ષેપ કર્યો છે કે, યુવકે યુવતીને ઝેર આપીને મારી નાંખી છે.
પરિવારે કહ્યું છે કે, જ્યાં સુધી છોકરાની ધરપકડ ન થાય ત્યાં સુધી અમે અમારી દીકરીની અંતિમવિધિ નહીં કરીએ. તેમજ મૃતક યુવતીના પિતા સુરત આવ્યા બાદ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરાશે. સમગ્ર મામલે સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું, ઘટના સોમવારની મોડી સાંજની છે.
૧૦૮ એમ્બ્યુલન્સમાં યુવક અને યુવતીને શંકાસ્પદ ઝેરી દવા પીધી હોવાની વાત સાથે સારવાર માટે લાવવામાં આવ્યાં હતાં. આ દરમિયાન તપાસ કરતા યુવતી મૃત મળી આવી હતી. જે બાદ તેની સાથે આવેલો વિદ્યાર્થી સારવાર અધૂરી છોડી ભાગી ગયો હતો.