અંકલેશ્વરમાં ઉદ્યોગો બાદ બિલ્ડરો પણ બેફામ

અંકલેશ્વરના દઢાલ ગામના આદિવાસી સ્મશાન પાસે પ્રદુષિત પાણી છોડતા રોષ
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) અંકલેશ્વરના દઢાલ ગામના આદિવાસી સમાજની સ્મશાનભૂમિ નજીક વહેતી ખાડીમાં વિવિધ સોસાયટીના ગટરનું પાણી છોડાતું હોવાના મુદ્દે સ્થાનિકોમાં ભારે રોષની લાગણી જાેવા મળે છે.
અંકલેશ્વર નજીક દઢાલ ગામમાં છેલ્લા કેટલાક સમયથી વ્યાપક પ્રમાણમાં નવી સોસાયટીઓ ઊભી થઈ છે.આ સોસાયટીના બિલ્ડરો દ્વારા સોસાયટીના ગંદુ પાણી સીધું ગામની ખાડીમાં છોડી દેવામાં આવે છે.
જેને પગલે ખાડીનું પાણી દૂષિત બની ગયું છે.ગામના આદિવાસી સમાજના લોકોનું સ્મશાન ખાડીને અડીને આવ્યુ છે.અંતિમ ક્રિયા પૂર્ણ કર્યા બાદ આ સમાજના લોકો આ ખાડીમાં સ્નાન કરતા આવ્યા હતા.પરંતુ ગટરનું પાણી દૂષિત બનતા સ્થાનિકો માટે પાણીનો ઉપયોગ દુષ્કર બન્યો છે.
સ્થાનિક આદિવાસી આગેવાને જણાવ્યું હતું કે થોડા સમય અગાઉ વિવિધ સોસાયટીઓ નિર્માણ પામ્યા બાદ આ સોસાયટીના બિલ્ડરો દ્રારા મકાનોનું ગંદુ પાણી સીધું જ ખાડીમાં છોડી દેવાય છે જેને પગલે ખાડીનું પાણી દૂષિત બન્યું છે.કોંઢ,જીતાલી થઈ દઢાલ ગામ પાસેથી પસાર થતી ખાડીના પાણીનો ઉપયોગ અગાઉ આદિવાસી સમાજ પીવા માટે કરતા હતા.પરંતુ હવે એ પાણીનો સ્ત્રોત દૂષિત બન્યો છે.
ગામના આદિવાસી સમાજે તાજેતરમાં ખાડીનું દૂષિત પાણી અંગે સરકાર માન્ય ટેસ્ટિંગ લેબોરેટરીમાં પરિક્ષણ માટે મોકલતા લેબોરેટરીનો રિપોર્ટ આ પાણીનો કોઈ પણ રીતે ઉપયોગ કરવો સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાનો આવ્યો છે.
દઢાલ ગામ ના આદિવાસી સમાજે આ અંગે તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી બેજવાબદાર બિલ્ડરો સામે તાત્કાલિક કાર્યવાહી કરવા તેમજ ગટરના પાણીનો ખાડીમાં નિકાલ થતો હોય તેને તાત્કાલિક અસરથી બંધ કરાવવાની માંગ કરી છે અન્યથા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. આદિવાસી સમાજની રજુઆત બાદ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તે જાેવું રહ્યું.