Western Times News

Gujarati News

આઝાદીના ૭૫ વર્ષ પછી પણ જાતિવાદનો અંત આવ્યો નથીઃ સુપ્રીમ કોર્ટ

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે જાતિ સંબંધિત હિંસાની સતત વધી રહેલી ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કહ્યું કે આઝાદીના ૭૫ વર્ષ વીતી ગયા છતાં સમાજમાં જાતિના નામે હિંસા થઈ રહી છે. ઉત્તર પ્રદેશમાં ૧૯૯૧માં થયેલી ઓનર કિલિંગની ઘટના પર પોતાનો ચુકાદો આપતાં સર્વોચ્ચ અદાલતે આ અવલોકન કર્યું હતું. આ ઘટનામાં બે યુવકો અને એક મહિલાને લગભગ ૧૨ કલાક સુધી માર મારવામાં આવ્યો હતો.

આ મારથી તેનું મોત થયું હતું. જ્ઞાતિ પ્રત્યેની અદાવતની લાગણીને કારણે આ ઘટના બની હતી. કોર્ટે પ્રશાસનને આવી ઘટનાઓને રોકવા માટે કડક પગલાં લેવાનો પણ નિર્દેશ આપ્યો છે.

જસ્ટિસ એલ નાગેશ્વર રાવની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું કે, કેસની સરળ સુનાવણી અને સત્ય બહાર આવે તે માટે સાક્ષીઓનું રક્ષણ કરવું જરૂરી છે. જ્યારે આરોપી પક્ષની સાથે રાજકીય લોકો, મસલમેન અને અમીર લોકો હોય છે ત્યારે સાક્ષીઓની સુરક્ષાની જવાબદારી વધી જાય છે.

આ કેસમાં ફરિયાદ પક્ષના ૧૨ સાક્ષીઓની હાજરીને કારણે બેન્ચે આમ કહ્યું હતું. ખંડપીઠે કહ્યું, “જાતિ કટ્ટરતાની પ્રવૃત્તિઓ આજ સુધી ચાલુ છે, જ્યારે બંધારણ તમામ નાગરિકો સાથે સમાન રીતે વર્તે છે.” ખંડપીઠે સમાજમાંથી જાતિ પ્રથાને નાબૂદ કરવા માટે ભારત રત્ન ડૉ. ભીમરાવ આંબેડકરના સૂચનનો અમલ કરવાનુ  પણ સૂચન કર્યું હતું.

આંતરજ્ઞાતિય લગ્નોને પ્રોત્સાહન આપી જ્ઞાતિ રહિત સમાજની સ્થાપના કરી શકાય તેમ જણાવ્યું હતું. બેન્ચમાં જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ બીઆર ગવઈ પણ સામેલ હતા. આ કેસમાં ટ્રાયલ કોર્ટે નવેમ્બર ૨૦૧૧માં આપેલા આદેશમાં ૩૫ આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા અને તેમને સજાની જાહેરાત કરી હતી, જ્યારે હાઈકોર્ટે તેમાંથી બેને નિર્દોષ જાહેર કર્યા હતા અને બાકીની સજાને યથાવત રાખી હતી.

હાઈકોર્ટે આઠ દોષિતોની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી દીધી હતી. જે આઠ લોકોને ફાંસીની સજામાંથી રાહત આપવામાં આવી છે તેઓને તેમના અંતિમ શ્વાસ સુધી જેલમાં રહેવું પડશે. સુપ્રીમ કોર્ટે ત્રણ લોકોને ઓળખના અભાવે નિર્દોષ જાહેર કર્યા છે, પરંતુ અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા બાકીના આરોપીઓને આપવામાં આવેલી સજાને યથાવત રાખી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.