પાંડેસરામાં પતિ-પત્નીના કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળ્યા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/10/sucide-scaled.jpg)
Files Photo
સુરત., સુરતના પાંડેસરા વિસ્તારમાંથી કોહવાયેલી હાલતમાં દંપતીની લાશ મળી આવી હતી. આ દંપતીનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને દંપતીના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.
આ મામલે મળતી માહિતી અનુસાર, શહેરના પાંડેસરામાં આવેલ જય અંબેનગરમાં મૂળ બિહારના પતિ-પત્નીનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રેમલગ્ન કર્યા બાદ બે મહિના પહેલા જ તેઓ સુરત રહેવા આવ્યા હતા ત્યારે દંપતીનું કયા કારણોસર મોત થયું તે દિશામાં પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
બિહારના સિતામઢીના મોતીપુરના વતની અને પાંડેસરામાં રહેતા રંજીતકુમાર શાહ(૨૬) અને તેમની પત્ની સુશીલાકુમારી(૨૫) છેલ્લા ૨ મહિનાથી પાંડેસરામાં રહેતા હતા. છેલ્લા ૨-૩ દિવસથી તેમનો રૂમ બંધ રહેતા દુર્ગંધ આવતા પાડોશીએ પોલીસને જાણ કરી હતી.
બનાવની જાણ થતા પાંડેસરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને દરવાજાે તોડી તપાસ કરતા રંજીતકુમારનો ફાંસો ખાધેલી હાલતમાં અને પત્ની સુશીલાકુમારીનો રૂમમાં સૂતેલી હાલતમાં રહસ્યમય સંજાેગોમાં કોહવાઈ ગયેલા મૃતદેહ મળ્યા હતા. રૂમના દરવાજાને પણ અંદરથી તાળું મારેલું હતું. રૂમમાંથી તેમની પાસેથી મળી આવેલા આધાર કાર્ડના આધારે બન્નેની ઓળખ થઈ હતી.
દંપતીના મૃતદેહ કોહવાઈ ગયેલી હાલતમાં મળી આવ્યા હોવાથી અને ૩થી ૪ દિવસ પહેલા મોત નીપજ્યું હોવાથી બન્નેએ સાથે આત્મહત્યા કરી કે પછી પતિએ પત્નીની હત્યા કરી તે સ્પષ્ટ થઈ શક્યું ન હતું. જેથી બન્નેના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે ફોરેન્સીક પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી છે. ફોરેન્સીક પોસ્ટમોર્ટમ બાદ પત્નીની હત્યા થઈ છે કે તેણે પણ આપઘાત કર્યો છે તે સ્પષ્ટ થશે.HS