Western Times News

Gujarati News

મોરબી ડ્રગ કેસમાં એટીએસ એ વધુ બે હેન્ડલરની ધરપકડ કરી: ૧ર દિવસનાં રીમાન્ડ મળ્યા

આ મામલે હાલ સુધી ૭૩૦ કરોડથી વધુનું હેરોઈન જપ્ત કરીને ૧૩ આરોપીઓ પકડવામાં આવ્યા છે

(પ્રતિનિધિ) અમદાવાદ, મોરબી ખાતેથી કરોડો રૂપિયાનું હેરોઈન પકડાવાના મામલે ગુજરાત એટીએસ ને વધુ એક હેન્ડલર તથા દરીયાઈમાંથી ડ્રગ્સનો જથ્થો મેળવનાર એમ બે શખ્સોને ઝડપી લેવામાં સફળતા મળી છે. આ મામલે અગાઉ પકડાયેલા નાઈજીરીયનની પુછપરછ બાદ એટીએસ એ દીલ્હી ખાતેથી વધુ ૩.રપ કરોડ રૂપિયાનો હેરોઈનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

આ અંગેની વિગત એવી છે કે ગુજરાત એટીએસએ આશરે બે અઠવાડીયા અગાઉ મોરબીના ઝીંઝુડા ગામમાં દરોડો પાડી અંદાજીત ૧ર૦ કિલો હેરોઈનનો જથ્થો જપ્ત કર્યો હતો. આ મામલે એટીએસ એ હાલ સુધીમાં કુલ ૧૩ શખ્શોને ઝડપી લીધા છે અને કુલ ૭૩૦ કરોડ રૂપિયાથી વધુ કિંમતનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે.

આ ઘટનામાં દિલ્હીથી પકડાયેલા નાઈજીરીયન નાગરીક માઈકલ યુગોચુકવુની તપાસ દરમિયાન પણ ચોંકાવનારી માહીતીઓ બહાર આવી છે તેની પુછપરછમાં હેરોઈનનો કેટલોક જથ્થો મકાનમાં છુપાવી રાખ્યો હોવાનું કહેતાં એટીએસ ની એક ટીમે દિલ્હીમાં નિલોઠી ખાતે આવેલા તેના ઘરેથી ૬પ૦ ગ્રામ હેરોઈન કબ્જે કર્યું છે જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ૩.રપ કરોડ રૂપિયા છે.

માઈકલ આંગડીયામાં રૂપિયા મોકલતો
માઈકલ યુગોચુકવુ ઈશા રાવ તથા તેની ગેંગના માણસો સાથે સંપર્કમાં હતો અને ડ્રગ્સ મેળવવા માટે તે તેમને આંગડીયા દ્વારા રૂપિયા મોકલાવતો હતો.

એટીએસ એ પુના- જામનગરથી બે શખ્શોને પકડ્યા
ગુનાની તપાસ દરમિયાન પુનાના બાલેવાડી વિસ્તારમાં રહેતા સર્જેરાવ કેશવરાવ ગરડ (પ૬)ની પણ ધરપકડ કરવામાં આવી છે સર્જેરાવ ગુજરાતમાં આવીને જામનગર તથા આસપાસના વિસ્તારમાંથી ડ્રગ્સનો જથ્થો લઈ બસ કે ટ્રેન દ્વારા દીલ્હી જઈને માઈકલ ઉપરાંત અન્ય રીસીવરોને આપતો હતો.

જયારે અન્ય પકડાયેલો આરોપી જાબીયર ઉર્ફે જાવીદ કાસમ સોઢા (સચાણા, મોટા પીરની ધાર, જામનગર) ઈશારાવના કહેવાથી અન્ય આરોપીઓ સાથે દરીયામાં જઈને હેરોઈનના જથ્થાની ડિલીવરી મેળવીને સચાણા ગામે પોતાના કબજામાં રાખતો હતો ત્યારબાદ ઈશારાવની સુચના અનુસાર ડ્રગ્સ ઈશારાવ અને તેની ગેંગના માણસોને પહોચાડો હતો.

ડ્રગ્સના આ કેસમાં નાઈજીરીયન તથા અન્યો સહીત વધુ આરોપીઓ પકડાવાની સંભાવના છે, સર્જેરાવ તથા જાબીયર ૧ર દિવસના રીમાન્ડ મળ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.