ભિલોડા પંથકના થાપણદારોના ૧.૦૬ કરોડ રૂપિયા સેરવી એજન્ટ રફુચક્કર
(પ્રતિનિધિ) ભિલોડા, ગુજરાત રાજ્યમાં અનેક ઠગ ક્રેડિટ સોસાયટીઓ અને કંપનીઓની કાળી કરતૂતો બહાર આવી રહી છે લોકોને રાષ્ટ્રીય કૃત બેંકો કરતા વધુ વ્યાજ આપવાની લાલચ અને એકના ડબલ કરવાની લાલચ આપી લૂંટી રહ્યા છે. પર્લ્સ, એચ.વી.એન અને અર્બુદા ક્રેડિટ સોસાયટીનું કરોડો રૂપિયાના ઉઠમણાં બાદ વધુ એક બનાસકાંઠા જીલ્લાના પાલનપુર ખાતે હેડ ક્વાર્ટર ધરાવતી કંપની ઉંચા વ્યાજ દરની લાલચ આપી
ભિલોડા સહીત અરવલ્લી જીલ્લાના એક કરોડ થી વધુ રૂપિયા ઉઘરાવી ભિલોડા ખાતે આવેલ ઓફિસ બંધ કરી રફુચક્કર થઇ જતા ભારે ચકચાર મચી છે ડાયમંડ ઇન્ડિયા બિલ્ડીંગ લિમિટેડ કંપનીમાં એજન્ટ તરીકે કામ કરતા એજન્ટે કંપની સામે ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઠગ ટોળકીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મારે તેમ વધારે વ્યાજ મેળવવાના ચક્કરમાં અનેક એજન્ટો મારફતે ૧ કરોડ જેટલી માતબર રકમ ભિલોડામાં આકાર કોમ્પ્લેક્ષમાં આવેલ ડાયમંડ ઇન્ડિયા બિલ્ડીંગ લિમિટેડ નામની કંપનીમાં થાપણ તરીકે એજન્ટોની નિમણુંક કરી ઉઘરાવી લીધા પછી
કંપનીના પાટિયા પડી જતા એજન્ટો સહીત થાપણદારોએ માથે ઓઢી રોવાનો વારો તો નહિ આવે ને ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. ભિલોડા ડાયમંડ કંપનીમાં એજન્ટ તરીકે કામકાજ કરતા ભાણમેર ગામના કિરીટભાઈ મોઘજી ડામોરે કંપનીના ડાયરેકટર અને કર્મચારીઓ સામે ૧.૦૬ કરોડ રૂપિયાના સર્ટિફિકેટ આપી ઠગાઈ કરી હોવાની ફરિયાદ નોંધાવી છે