દિલ્હી ખાતે ગુજરાતના દિલીપ નિનામાને તિલકા માંઝી રાષ્ટ્રીય એવોર્ડ આપી સન્માનિત કરાયા
(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) ગાંધી પીસ ફાઉન્ડેશન , નવી દિલ્હી ખાતે ગુજરાતના શ્રી દિલીપકુમાર નિનામાને તિલકા માંઝી રાષ્ટ્રીય એવોર્ડ ૨૦૨૧ માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ માટે દેશ-વિદેશના મહાનુભાવોને અંગ મદદ ફાઉન્ડેશન દ્વારા સન્માનિત કરવામાં આવ્યા અને ગુજરાતમાંથી દિલીપકુમાર નિનામાને સન્માનિત કરવામાં આવ્યા તેથી સમગ્ર ગુજરાતમાં આનંદની લાગણી પ્રસરી ગઇ છે.
તિલકા માંઝી ( જબરા પહાડીયા ) ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સેનાની હતા. તેમનો જન્મ ૧૧ ફેબ્રુઆરી ૧૭૫૦ માં થયો હતો. તિલકા માંઝીએ ૧૭૮૦-૮૫ માં અંગ્રેજાેના અત્યાચારના વિરુદ્ધમાં જંગ છેડી દીધો હતો. આમ મંગલ પાંડેના જન્મના ૮૦ વર્ષ પહેલાં તિલકા માંઝીએ અંગ્રજાે સામે લડ્યા હતા એટલે ૧૮૫૭ માં પ્રથમ સ્વાતંત્ર્ય સેનાની મંગલ પાંડે નહીં પણ ૧૭૫૦ માં જન્મેલા તિલકા માંઝી હતા. આવી રીતે આવા મહાન સ્વતંત્રતા સેનાનીના નામે એવોર્ડ મળવો ગર્વની વાત છે.
શ્રી દિલીપકુમાર ખીમજીભાઈ નિનામા નરોડા, અમદાવાદ ખાતે નવયુગ વિદ્યાલયમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેઓ વેજપુર ગામ ભીલોડા તાલુકા અરવલ્લી જિલ્લાના વતની છે તેઓ ભારતીય આદિવાસી અધિકાર પંચ, ગુજરાતના પ્રમુખ છે. અરવલ્લી સાબરકાંઠા આદિવાસી શિક્ષક એસોસિયેશનના પ્રમુખ છે.
તેઓનું કાર્યક્ષેત્ર ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર , મધ્યપ્રદેશ , રાજસ્થાન , ઓરિસ્સા અને ઝારખંડ છે. નોકરીની સાથે સાથે સામાજીક અને શૈક્ષણિક કામો પણ છેલ્લા ૨૩ વર્ષોથી કરતા આવ્યા છે. શૈક્ષણિક રીતે તેમના પોતાના વિષય અંગ્રેજીનું એસ.એસ.સીનુ પરિણામ છેલ્લા ૨૩ વર્ષોથી ૯૦ ટકાથી ઉપર આવ્યું છે
૨૮/૧૧/૨૦૨૧ રવિવાર ના રોજ ગાંધી પીસ ફાઉન્ડેશન , દિલ્હી ખાતે દેશ-વિદેશના સમાજસેવા , પત્રકારત્વ , શિક્ષા , ચિકિત્સા , સાહિત્ય , કલા , ખેલ , માનવાધિકાર , મહિલા સશક્તિકરણ વગેરે ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામ કરનાર હસ્તિઓને ” તિલકા માંઝી રાષ્ટ્રીય સન્માન ૨૦૨૧ ” થી અંગ મદદ ફાઉન્ડેશન દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ સન્માન સમારોહના મુખ્ય અતિથિ તરીકે સુપ્રસિદ્ધ ગાંધીવાદી વિચારક રાધા ભટ્ટ અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ દુષ્યંત ગૌતમ ઉપસ્થિત રહ્યા હતા.